બુધવાર, 28 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 28 જૂન 2019 (11:44 IST)

નીતિ આયોગના રીપોર્ટ પ્રમાણે ૩૦ કરતાં વધારે માપદંડોના સહારે ગુજરાતે જાળવી રાખ્યું ચોથું સ્થાન

ગાંધીનગર ખાતે યોજાયેલા ટાર્ગેટેડ એપ્રોચ ટુ એકસીલરેટ હેલ્થ આઉટકમ્સ વિષયક બે દિવસના સેમીનારના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું 
હતું કે, સામાજિક સેવા ક્ષેત્રે ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે, ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે ઝીરો ટોલરન્સના લક્ષ્ય સાથે શ્રેષ્ઠ કામગીરી કરવા ગુજરાતે સઘન આયોજન કર્યું છે. 
 
મુખ્ય સચિવ સિંઘે જણાવ્યું હતું કે, નીતિ આયોગના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં ત્રીસ કરતાં વધુ માપદંડોના સહારે જે અવલોકન કરાયું છે, તેમાં ગુજરાતે દેશભરમાં તેનું ચોથું સ્થાન જાળવી 
રાખ્યું છે. એનો અર્થ એ થયો કે ગુજરાતની આ ક્ષેત્રની કામગીરી સતત-એકધારી ચાલી રહી છે. પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નંબર-૧ રહેલા ગુજરાતને ચોથા સ્થાનથી સંતોષ ન હોય તે સ્વાભાવિક છે એટલે 
જ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતે નક્કર ભાવિ આયોજન હાથ ધર્યું છે. 
 
તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતે સઘન પ્રયાસો દ્વારા અનેકવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેમાં નવજાત શિશુ મૃત્યુદરમાં સુધારો થયો છે આ જ રીતે પાંચ વર્ષથી નીચેની વયના બાળમૃત્યુ દરમાં પણ 
ઘટાડો થયો છે. આ ઉપરાંત સ્ત્રી આરોગ્ય કાર્યક્રમ, વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં અધિકારી-કર્મચારીઓની નિમણૂક, ફસ્ટ રેફરલ યુનિટમાં સુધારો જેવા વિવિધ પાસાનો સમાવેશ થાય છે. 
 
ગુજરાતને નંબર-૧ની આદત છે ચોથા સ્થાનની નહીં તેમ ભારપૂર્વક જણાવી આ કાર્યશિબિરમાં મુખ્ય સચિવએ સામાજિક અને વહીવટી સ્તરે સુધારણા માટે સૂચનો કર્યા હતા. સામાજિક સ્તરે 
લોકજાગૃતિ અને વહીવટી ક્ષેત્રે કાયદાનું કડક અમલીકરણ અને પરિણામલક્ષી પગલાંની હિમાયત કરી હતી. 
 
આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર રહેવાના માપદંડો ઉપર નજર રાખો તેવું સ્પષ્ટ જણાવતા મુખ્ય સચિવએ ઉપસ્થિત સૌ ઉચ્ચ અધિકારીઓને ‘મેનેજમેન્ટ સ્કીલ’ વધુ મજબૂત કરવા જણાવ્યુ હતુ. આ કાર્યશિબિરમાં 
ખાસ ઉપસ્થિત રહેલા નીતિ આયોગના સીનીયર કન્સલ્ટન્ટ ડૉ. કે. મદન ગોપાલે નીતિ આયોગના વિવિધ ત્રીસ જેટલાં માપદંડો અને તેમાં ગુજરાતની સ્થિતિ વિશે જણાવ્યું હતું અને ગુજરાત પોતાની 
ક્ષમતા અનુસાર આરોગ્ય ક્ષેત્રે વધુ સુસજ્જ બનશે તેવું જણાવ્યું હતું.