1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 જુલાઈ 2019 (11:11 IST)

નર્મદાની કેનાલોના મુદ્દે હોબાળો: બંને પક્ષના MLA વચ્ચે યુદ્ધ જેવો માહોલ

ગુજરાત વિધાનસભામાં આજે નર્મદા યોજનાની વિવિધ કેનાલનો મુદ્દે ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે હોબાળો મચી ગયો હતો કારણકે પ્રશ્નોત્તરી દરમિયાન બે નંબરનો પ્રશ્ન સરદાર સરોવર નર્મદા યોજનાની વિવિધ કેનાલોના બાકી રહેલા કામના સંદર્ભમાં હતો.
 
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ઊભા થઈને ઉભી રીતે પૂછ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તમે કેનાલોનું કામ બાકી રાખ્યું છે તે કરાતુ નથી તો આ કામ ક્યારે થશે તે જણાવો.
 
આવું સાંભળીને નીતિન પટેલ ઉભા થઈ ગયા હતા. તેઓએ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નર્મદા યોજનામાં કેટલું મોડું થયું હતું તે સંદર્ભની વાત શરૂ કરી હતી. જે સાંભળીને કોંગ્રેસના બળદેવજી ઠાકોર ગુસ્સામાં આવી ગયા હતા અને ઉભા થઈને નીતિન પટેલની સામે હાથ કરી કશું બોલતા હતા. આથી નાયબ મુખ્યમંત્રી વધુ ભડક્યા હતા.
 
નીતિન પટેલ ગુસ્સામાં કહ્યું કે તમે બેસી જાઓ તમને બોલવાનો કોઈ જ અધિકાર નથી. તમે નેતાગીરી ન કરશો આ વિધાનસભા છે અહીં તમારા જૂઠાણાં અમારે સાંભળવાના? આવ સાંભળ્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા હતા અને હોહા કરી મૂકી હતી.
 
બીજી બાજુ ભાજપના મોટાભાગના ધારાસભ્યો પણ પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા હતા અને બંને ધારાસભ્ય વચ્ચે તું તું મેં મેં થઈ હતી તેમજ એકબીજા પર આક્ષેપો શરૂ કર્યા હતા.
 
ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ મામલો શાંત પાડયો હતો અને સૌ કોઇને વિનંતીથી બેસાડ્યા હતા. ત્યારબાદ નીતિન પટેલ કેનાલના સંદર્ભમાં જવાબ આપ્યો હતો તેમજ કહ્યું હતું કે પરેશભાઈ ધાનાણીની વાત સાચી છે.
 
નર્મદા ડેમમાં અને યોજનામાં કોઈ રાજકારણ આવવું જોઈએ નહીં. આ યોજના કોઈ રાજકીય પક્ષની કે કોઈની નથી પરંતુ સમગ્ર ગુજરાતની છે. જ્યાં પણ જમીન સંપાદનનો પ્રશ્ન છે તેવા સ્થળે તમામ ધારાસભ્યોએ લઈને અનેક લોકોને સમજાવી જોઈએ આમ અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.