સ્મીમેરના તબીબોએ પ્રોમિસ આપીને કહ્યું હતું કે 'માત્ર બે દિવસમાં દાદી ચાલતા થઈ જશે'
કોરોના મહામારી વચ્ચે નોનકોવિડ બિમારી ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં પણ સ્મીમેર તંત્ર અગ્રેસર રહ્યું છે. ઓલપાડના વતની ૮૫ વર્ષીય વયોવૃદ્ધ ધનલક્ષ્મીબેન ચૌહાણના ડાબા પગના થાપાના ગોળાનું વિનામુલ્યે સફળ ઓપરેશન કરી સ્મીમેર હોસ્પિટલના હાડકા અને એનેસ્થેસિયા વિભાગે દાદીમાને હાલતાચાલતા કર્યા છે.
ઓલપાડના પોલીસ સ્ટેશન નજીક આવેલ કરશનપરામાં રહેતા દાદીને પોતાના ઘરે પડી જવાથી ડાબા પગના થાપામાં ફ્રેક્ચર થયું હતું. જેથી થાપાના ગોળાનું રિપ્લેસમેન્ટ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડો.જનક રાઠોડ અને તેમની ટીમના ડો. પાર્થ કિનખાબવાલા, ડો. વિરાજ બેન્કર તથા ડો. મલ્હાર ડામોરના સફળ પ્રયાસથી ૮૫ વર્ષના ધનલક્ષ્મીબા ડાબા પગના થાપાના ગોળાનું સફળ ઓપરેશન પાર પાડ્યું છે.
ડો. પાર્થ કિનખાબવાલાએ જણાવ્યું કે, એક બાજુ દાદીની ઉંમર વધારે અને બીજું દાદીને બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શનની બિમારી પણ છે, આવા સંજોગોમાં સર્જરી કરવી ઘણી મુશ્કેલ બનતી હોય છે. તેમ છતા પણ એનેસ્થેસિયા વિભાગના તબીબોની ટીમ દ્વારા બે દિવસની સારવાર આપી સ્ટેબિલાઈઝ કર્યા બાદ ૨૭ એપ્રિલે દાદીના હીપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કર્યું. દાદીની ઉંમર પણ વધું હોવાથી Osteoporosis હોય છે, એટલે આ ઉંમરે સ્વાભાવિકપણે તેમના હાડકા પણ પોલા થઈ ગયા હોય છે, અને હિપ રિપ્લેસમેન્ટમાં સિમેન્ટ ભરવી પડે છે, અને દાદીની ઉંમર વધુ હોવાથી તે વધું જોખમી હોય છે.
પરંતુ સ્મીમેર ઓર્થોપેડિક વિભાગની ટીમે માત્ર ૩૫થી ૪૦ મિનિટમાં થાપાનું સફળ ઓપરેશન કરી દાદીને બીજા જ દિવસે પોતાના પગ ચાલતા કર્યા. દાદીને ઓપરેશન બાદ માત્ર બે દિવસમાં સ્વસ્થ થઈ જતાં તા. ૧ મે ના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. છેલ્લા એક વર્ષથી સમગ્ર સ્મીમેર હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત થઈ હોવા છતા પણ અમે નોનકોવિડ દર્દીની સંપૂર્ણ કાળજી રાખીએ છીએ એમ ડો.પાર્થ જણાવે છે.
ધનલક્ષ્મીબાના પૌત્ર વિરલભાઈએ ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, મારા દાદી છેલ્લા ૧૬ વર્ષથી બ્લડ પ્રેશરની બિમારી હોવાથી તેની નિયમિત દવા ચાલું છે. ગયા સપ્તાહે દાદીએ પ્રેશરની દવા પીધા બાદ એકાએક ચક્કર આવતા પડી જવાથી ડાબા પગના થાપામાં ફ્રેક્ચર આવ્યું.
એટલે પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવી તો દાદીની ઉંમર જોતા ઓપરેશન સફળ ન જાય અને ડોક્ટર જોખમ ખેડવા તૈયાર ન હોવાથી દાખલ કરવાની ના પાડી. એટલે અમે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા. મને આશ્ચર્ય લાગ્યું કે સ્મીમેરના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ પ્રોમિસ આપતા કહ્યું કે 'દાદીને માત્ર બે દિવસમાં પોતાના પગે ચાલતા થઈ જશે અને અંતે તે કરી પણ બતાવ્યું. જેનો મને ખૂબ આનંદ છે.
કોરોનાની કટોકટીમાં દર્દીઓની સારવારમાં વ્યસ્ત છતાં સ્મીમેરના હાડકા એનેસ્થેસિયા વિભાગના ડોકટરોની ટીમે સફળ ઓપરેશન કરીને જૈફ વયના દાદીને ગંભીર સ્થિતિમાંથી ઉગારી લીધા છે. તેમને સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.
આમ, કોરોના વાયરસની મહામારીના સમયે સ્મીમેરના હાડકા અને એનેસ્થેસિયા વિભાગની ટીમે ૮૫ વર્ષના દાદીને આ ઉંમરે પણ પોતાના પગભર ચાલતા કરી કાર્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડીને ગંભીર કેસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ સ્મીમેર હોસ્પિટલના તબીબો નોનકોવિડ બિમારીની સારવાર ફરજમાં પણ પ્રવૃત છે, જે અહીં તાદ્રશ્ય થયું.