ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (10:50 IST)

રાજ્યના ૧૧ જિલ્લાઓમા ૧૧ ડે કેર પંચકર્મ સેન્ટર મંજુર, રાજયના પ્રથમ ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભ

રાજયમા આયુષ સારવારનો વ્યાપ વધે અને લોકો વધુને વધુ આયુષ સારવાર લેતા થાય એ આશયથી રાજય સરકાર દ્વારા રાજ્યના ૧૧ જિલ્લાઓમા ૧૧ ડે કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવા માટે આ વર્ષના અંદાજપત્રમા જાહેરાત કરાઈ હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષના અંદાજપત્રમાં  ૧૧ ડે કેર પંચકર્મ સેન્ટર મંજુર કરવામાં આવ્યા છે. 
 
જે તાજેતરમાં પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપુર એવા તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ગુજરાત રાજ્યનું પ્રથમ ડે કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેના તર્જ પર  તબક્કા વાર સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યા પર કુલ ૧૧ ઓપીડી લેવલ પરના પંચકર્મ  ડે કેર સેન્ટર શરૂ કરાશે એમ આયુષ નિયામકશ્રી ની યાદીમા જણાવાયુ છે.
 
તાપી જિલ્લાનું પંચકર્મ સેન્ટર શરૂ કરવા માટે વિવેકાધીન જોગવાઈ ૨૦૨૦ - ૨૧ ( TASP) ની ગ્રાન્ટ માંથી ૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ) ના ખર્ચે વ્યારા ખાતે ઓ. પી. ડી. લેવલ ડે કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવા માટે તથા જરૂરી પંચકર્મ ના સાધનોની ખરીદી પણ કરવામાં આવી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડે કેર પંચકર્મ સેન્ટર ખાતે હાલના દૌડધામ વાળા યુગમાં લોકો પાસે પંચકર્મ સારવાર કરવા માટે દાખલ થવા સમયનો અભાવ જોવા મળે છે ત્યારે જૂની શરદીની બીમારીથી લઈને સાંધાના વા, પેરાલીસીસ- લકવાની બીમારી, ચામડીના રોગ સહિત જૂના હઠીલા રોગોમાં દાખલ થયા વગર ઓપીડી કક્ષાએ વિશેષ પંચકર્મ સારવાર મળી રહે તે હેતુથી ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
 
જેમાં દાખલ થવાની જરૂર રહેશે નહિ, વિશેષમાં જેઓ નીરોગી છે અને કોઈ પણ પ્રકારની બીમારી ધરાવતા નથી તેઓ પણ પંચકર્મ સારવાર કરાવી શકશે. આ ઓપીડી લેવલના ડે કેર પંચકર્મ સેન્ટરમાં દર્દી વેઇટિંગ, ડૉ. કન્સલ્ટિંગ રૂમ, મેલ વોર્ડ, ફિમેલ વોર્ડ, પંચકર્મ રૂમ, કિચન, ઔષધ સંગ્રહાલય, સ્ટોર રૂમ સહિત સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.