બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટના ઉમેદવારોને 6 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 150/ 2018-19ની પરીક્ષામાં બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે પસંદગી પામેલા ઉમેદવારોમાંથી તેમણે સિલેક્ટ કરેલી કચેરીમાંથી ફોન આવે તેઓએ તારીખ 06/03/2023ને સોમવારના રોજ માનનીય મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં બોલાવવામાં આવેલા ઉમેદવારોએ તારીખ 06/03/2023ને સોમવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બપોરનાં 01:00 કલાક સુધીમાં હાજર થવાનું રહેશે.
મહાત્મા મંદિર ખાતે ઉમેદવારો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. બહારગામથી આવતા ઉમેદવારો માટે પથિકાશ્રમ એસ. ટી. ડેપો, ગાંધીનગરથી મહાત્મા મંદિર આવવા માટે એસ. ટી. ડેપોના કંટ્રોલરૂમ પાસેથી નિશુલ્ક એસ. ટી. બસની પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. એસ. ટી. બસ સર્વિસ બપોરે 12:30 કલાકથી શરૂ કરવામાં આવશે. આ સાથે મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્ર વહેંચણીના કાર્યક્રમમાં આયોજન અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દરેક ઉમેદવારોને સૂચના છે કે દરેક ઉમેદવાર ફરજીયાત પણે પોતાનું એક અસલ ઓળખકાર્ડ અને ભલામણપત્ર સાથે રાખે.
તારીખ 6/3/2023ના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં ઉમેદવારની સાથે કોઈ એક વાલી કાર્યક્રમમાં જોડાઈ શકે છે. જે ઉમેદવારો શારીરિક અશકતા ધરાવે છે તેવા ઉમેદવારો સાથે વધુમાં વધુ બે સંબંધી જોડાઈ શકે છે. ઉમેદવારે પોતાનું અસલ ઓળખ કાર્ડ અને મંડળ તરફથી આપવામાં આવેલ ભલામણ પત્ર સાથે રાખવું ફરજિયાત છે.