ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (21:27 IST)

PM બોક્સમાં બેસીને પરેડ નિહાળ પહેલાં પ્રાચી જિંદાલને સ્કુલે આપી સ્કોલરશિપ

દિલ્હી પબ્લિક સ્કુલ-બોપલે શાળાના પરિસરમાં યોજાયેલા એક સમારંભ દરમિયાન તેના સ્ટાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતાં. ધોરણ 12ની વિદ્યાર્થિની પ્રાચી જિંદાલને લૉકડાઉન શરૂ થયેલા પહેલાં માર્ચ, 2020માં યોજાયેલ બૉર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. તેણે 99.8%ના સ્કોરની સાથે 500માંથી 499 માર્કનું અદ્ભૂત પર્ફોમન્સ આપતાં તેને શાળા, શહેર અને રાજ્યની ટૉપર જાહેર કરવામાં આવી હતી. 
 
સૌથી પ્રશંસનીય બાબત એ હતી કે, તેણીએ ગાડરિયો પ્રવાહ પસંદ કરવાને બદલે પોતાનો અલગ ચીલો ચાતરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. પ્રાચીએ રાત્રે ઉજાગરા કરવાને બદલે નિયમિતતા પર વધારે ધ્યાન આપી પોતાના કૌશલ્યને નિખાર્યું હતું, તેને જ્યારે પણ કોઈ મૂંઝવણ થતી તો તેનું સમાધાન તે પોતાના ભાઇને પૂછી લેતી હતી. પોતાના શિક્ષણકાર્ય અને સારી રીતે નિર્ધારિત કરવામાં આવેલા પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રીત કરીને ઑલ ઇન્ડિયા બીજો રેન્ક મેળવીને પ્રાચીએ તેની શાળા, શહેર અને રાજ્યને શૈક્ષણિક શ્રેષ્ઠતામાં અવ્વલ દરજ્જો અપાવ્યો છે.
 
આ વિનમ્ર છોકરીની સિદ્ધીઓ એટલી સરાહનીય છે કે, તેણીને વડા પ્રધાનના બૉક્સમાંથી ગણતંત્ર દિવસની પરેડને નિહાળવા માટે ભારત સરકાર તરફથી અતિથિ તરીકે હજાર રહેવા આમંત્રિત કરવામાં આવી છે. તે પોતાના વિશે જણાવે છે, ‘મેં ક્યારેય સફળ થવાનું સપનું જોયું નહોતું, મેં ફક્ત તેના માટે આકરી મહેનત કરી હતી.’ તેની ક્ષમતાઓમાં વિશ્વાસ ધરાવનારા પ્રિન્સિપાલ સચદેવાની સરાહનાથી તે વધુ પ્રેરિત થઈ હતી.
 
તેની આ સિદ્ધિને બિરદાવવા માટે ડીપીએસ-બોપલે તેને રૂ. 1 લાખની સ્કોલરશિપ આપી હતી, જેને તેણીએ જિલ્લા શિક્ષણાધિકારી આર. આર. વ્યાસના હસ્તે પ્રાપ્ત કરી હતી. પોતાના સંબોધનમાં વ્યાસે પ્રાચીને ‘અમદાવાદ જિલ્લા અને સમગ્ર ગુજરાતનું ગૌરવ’ કહીને બિરદાવી હતી.
 
પ્રિન્સિપાલ સુરેન્દર પાલ સચદેવાએ પ્રાચીની સિદ્ધી પ્રત્યે પોતાનો ગૌરવ અને ખુશી વ્યક્ત કરી હતી. શાળાઓને ફરીથી ખોલવા અને આ સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેવા બદલ તેમણે ડીઇઓનો આભાર માન્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવાથી તેમને વધુ મોટી સિદ્ધિઓ મેળવવાની કેવી પ્રેરણા પ્રાપ્ત થઈ છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.