શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2023 (15:41 IST)

રાજકોટમાં ભાજપના યુવા મંત્રીએ રોફ જમાવીને દુકાનદાર પર બે રાઉન્ડ ફાયર કર્યા, પોલીસે અટકાયત કરી

BJP Minister Sorathia Fired
BJP Minister Sorathia Fired
ગઈકાલે રાત્રિના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી. આર. પાટીલ રાજકોટ શહેરમાં હતા. તે દરમિયાન શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય પાસે શહેર યુવા ભાજપના મંત્રી અને પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ રાજુભાઈ સોરઠિયાએ બે રાઉન્ડ હવામાં ફાયર કરતા દોડધામ મચી જવા પામી હતી. જેને લઇ ભક્તિનગર પોલીસે આરોપી કરણ સોરઠિયા સામે આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી. આ સાથે યુવા નેતા દારૂ પીધેલી હાલતમાં હોવાનો રિપોર્ટ આવતા તેની સામે વધુ એક પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, કરણ સોરઠિયા હાલ કોઈ જ હોદ્દો પર નથી તે માત્ર પૂર્વ કોર્પોરેટરનો પુત્ર છે. પાર્ટીમાં કોઈ હોદ્દા પર નથી અને ગુનો નોંધાયો છે તેથી પાર્ટીની શિસ્ત કમિટી નિર્ણય લેશે. રાજકોટના સોરઠિયાવાડી વિસ્તારમાં મોડી રાત્રે બનેલી ફાયરિંગની ઘટના સમયનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિના હાથમાં રિવોલ્વર છે અને તે તેના પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યાનું જણાવી રહ્યો છે. તેને યુવા નેતાના હાથમાંથી બંદૂક ઝૂંટવી પોલીસને સોંપી હતી.

શૌચાલયમાં પ્રવેશને લઇને માથાકૂટ થઈ હોવાની વિગત હાલ મળી રહી છે. કરણ સોરઠિયા નામના યુવા ભાજપના આગેવાને નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાવતા વનરાજ ચાવડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના સમયે સોરઠિયા વાડી સર્કલ ખાતે આવેલ અમારી ડિલક્સ પાનની દુકાન પર હું હાજર હતો. ત્યારે દુકાનની સામે આવેલ શૌચાલય બંધ હોવાથી શૌચાલયનું સંચાલન કરતા પરપ્રાંતીય વ્યક્તિ સાથે કરણ સોરઠિયા બોલાચાલી કરી કેમ બંધ કરી દીધું તેમ કહી ઝઘડો કરી રહ્યો હતો. આ દરમિયાન મેં કરણ સોરઠિયાને ઝઘડો ન કરવા સમજાવટ કરી હતી. આ સાથે જ રાબેતા મુજબના સમયે બંધ થઇ જાય છે, તેવું કહેતા આ બાબતનો ખાર રાખી તેમને 9.30થી 10 વાગ્યાના અરસામાં મારી દુકાન પાસે આવી પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવા કોશિશ કરી હતી. જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. હાલ ભક્તિનગર પોલીસે આરોપી કરણ રાજુભાઈ સોરઠિયા સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. કરણ સોરઠિયા નશાની હાલતમાં હોવાની પોલીસને શંકા જતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત વધુ એક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કરણ સોરઠિયા જે કાર લઇને આવ્યો હતો, તેમાં યુવા ભાજપ શહેર મંત્રી લખેલી નેમ પ્લેટ પણ મળી આવી હતી અને કારમાં નંબર પ્લેટ જોવા મળી ન હતી. કરણ સોરઠિયાનાં માતા તેમજ પિતા બન્ને પૂર્વ કોર્પોરેટર હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે સામાન્ય પ્રજાને દંડતી રાજકોટ પોલીસ નેતાઓ સામે કાર્યવાહી કરતા કેમ અચકાય છે તેવા સવાલો જનતામાં ઉદભવી રહ્યા છે. કારણ કે આ જ રાજકોટ પોલીસ એડવોકેટ, ડોક્ટર, પોલીસ કે પ્રેસ લખેલાં લખાણો કે નેમ પ્લેટ વાહનોમાંથી દૂર કરે છે, પરંતુ નેતાઓની ગાડીઓમાં રહેલી નંબર પ્લેટ તેમને દેખાતી કેમ નથી? તે પણ મોટો સવાલ છે.