રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 26 મે 2021 (17:10 IST)

ગુજરાતમાં મ્યુકરમાયકોસિસના 81.6 ટકા દર્દીઓ સારવાર હેઠળ, 14.3 ટકા દર્દીઓ સાજા થયા, 4.1 ટકા દર્દીઓના મૃત્યુ થયા

કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્યમાં મ્યુકોરમાયકોસિસના કેસો સામે આવી રહ્યા છે.કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. ત્યારે ગુજરાતની સરકાર હવે જાગી છે. દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે 11 તજજ્ઞ તબીબોની એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે.

રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કર્યા છે.રાજ્ય સરકાર દ્વારા મ્યુકરમાયકોસીસના રોગના નિયંત્રણ માટેની રચવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ડેન્ટલ, ઇ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી, મેડીસીન વિભાગના રાજ્યની વિવિધ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોના 11 તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રોગચાળા સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોગગ્રસ્તોની સારવાર, વય અને જાતિજૂથ તેમજ અન્ય બાબતો અંગે જે તારણો-નિષ્કર્ષ કાઢ્યો છે તેની વિગતો આ મુજબ છે. રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી 81.6 ટકા દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જયારે 14.3 ટકા દર્દીઓ સાજા થયા છે. તેમજ 4.1 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે.

વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર 0.5 ટકા દર્દીઓ 18 વર્ષથી ઓછી વયના, 28.4 દર્દીઓ 18 થી 45 વર્ષની ઉંમરના, 46.3 ટકા દર્દીઓ 45થી 60 વર્ષની ઉંમરના છે. જયારે 24.9 ટકા દર્દીઓ 60 થી વધારે વયના છે.  આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 67.1 ટકા પુરુષો જયારે 32.9 ટકા  સ્ત્રી દર્દીઓ છે. આ રોગમાંના માત્ર 33.5 ટકા દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સિજનની જરૂર પડી હતી. જયારે 66.5 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી.એટલું જ નહીં, નોંધાયેલ કુલ દર્દીઓમાંથી 59 ટકા દર્દીઓને ડાયાબીટીસ, 22.1 ટકા દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે 15.2 ટકા દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે. 49.5 ટકા  દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી જયારે ૫૦.૫% દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.  આ ટાસ્ક ફોર્સમાં અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના અધિક નિયામક અને ડીન ડો. ગીરીશ પરમાર, બી. જે. મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડો. કમલેશ ઉપાધ્યાય, બી.જે. મેડીકલ કોલેજના ઈ. એન.ટી ડો. બેલા પ્રજાપતિ,  અમદાવાદની એમ. એન્ડ જે. ઇન્સ્ટિટયુટ ઓફ ઓપ્થેલ્મોલોજીના ઓપ્થેલ્મોલોજી ડો. હંસા ઠક્કર, સુરતની સરકારી મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો. અશ્વિન વસાવા, સુરતની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. આનંદ ચોધરી, જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના  ડો. બી. આઈ. ગોસ્વામી, રાજકોટની પી. ડી. યુ. મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના  ડો. સેજલ મિસ્ત્રી, રાજકોટની પી.ડી. યુ. મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીતિ શેઠ, ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. સુશીલ ઝા તેમજ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીલેશ વી. પારેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.