ગુજરાતમાં શાળા બંધને મિશ્ર પ્રતિસાદ, વાલિઓનું ઓછુ સમર્થન
રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલ બેફામ ફી વધારાના વિરોધમાં વાલી મંડળો દ્વારા આજે શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે આપવામાં આવેલ શાળા બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલીક શાળાઓએ સ્વેચ્છિક રીતે બંધ પાળ્યો હતો તેમજ અમુક જગ્યાએ બંધને નિષ્ફળતા સાંપડી હતી. અમદાવાદની એક શાળાએ આજે બપોર બાદ રાજાની જાહેરાત કરી હતી.
રાજ્યમાં ૨૦૧૭ ની સાલમાં બેફામ ઉઘરાવેલી ફીને પરત આપવાની માંગ સાથે ઓલ ગુજરાત પેરેન્ટ્સ એસો. દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. વડોદરામાં ગોત્રી સેવાસી રોડ ખાતે આવેલી શૈશવ સ્કૂલ તેમજ શોનેન સ્કુલ બહાર વાલીઓએ એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો તેમજ ખાનગી શાળાઓની મનમાનીનો વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગરનાં વઢવાણમાં અલ્ટ્રાવિઝ સ્કુલનાં વિધાર્થીઓએ રસ્તા પર બેસીને ચક્કાજામ કરી ફી વધારાનો વિરોધ કર્યો હતો. જયારે જામનગરમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને વાલીઓની બેઠક બાદ ભવનસ શ્રી એ.કે. દોષી વિદ્યાલય દ્વારા વાલીઓને ફી પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.