મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 30 ઑગસ્ટ 2025 (15:36 IST)

Heavy Rain in Gujarat - હાલોલમાં 10 ઈંચ વરસાદથી જીવન અસ્તવ્યસ્ત, સાબરકાંઠામાં પશુઓ અને ગાડીઓ પાણીમાં તણાયા

rain in sabarkantha
rain in sabarkantha
ગુજરાતમાં ચોમાસું પૂરબહારમાં જામ્યું છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા બે દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.
 
અત્યાર સુધીના ઑવરઑલ વરસાદની વાત કરીએ તો, કચ્છ પ્રાંતમાં 411.40 મિલીમીટર જેટલો સિઝનનો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 660 મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો હતો.
 
ઇસ્ટ-સેન્ટ્રલ ઝોન- અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર, દાહોદ જિલ્લામાં 671. 72 મિલીમીટર, સૌરાષ્ટ્ર ઝોનમાં 627.94 મિલીમીટર જેટલો તો દક્ષિણ ગુજરાત ઝોનમાં 1352.11 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 251 પૈકી 43 તાલુકામાં 1000 મિલીમીટરથી વધુ વરસાદ નોંંધાયો છે. રાજ્યમાં કુલ 769.71 મિલમીટર જેટલો વરસાદ નોંધાયો છે. ટકાવારીની રીતે રાજ્યમાં 87.28 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
 
હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે.
 
હાલોલમાં 4 કલાકમાં 10 ઇંચ અને ઉમરેઠમાં 4 ઇંચ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, હિંમતનગર નજીક 17 લોકોનું રેસ્ક્યૂ
rain in gujarat
rain in gujarat
પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભયંકર વરસાદ પડ્યો છે. હવામાન ખાતાની પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 4 કલાકમાં હાલોલમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વડોદરા-હાલોલ-ગોધરા રોડ પર પાણી ભરાઈ ગયાં છે. પાવાગઢ ડુંગર ગામ અને હાલોલ સોસાયટીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
 
બીજી તરફ આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીબીસી સહયોગી નચિતેતા મહેતાના જણાવ્યા પ્રમાણે ચાર ઇંચ વરસાદને કારણે ઉમરેઠના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
 
અહીં ડાકોર-નડિયાદ રોડ પાસે પાણી ભરાઈ ગયાં છે. જેને કારણે ડાકોર જતા માર્ગ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ઉમરેઠના મુખ્ય બજારમાં આવેલી દૂકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં.
 
ગુજરાતના સુરત અને સાબરકાંઠા જિલ્લાનાં છૂટાછવાયાં સ્થળોએ ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો હતો. જ્યારે કે અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર અને તાપી જિલ્લાનાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.
 
સૌરાષ્ટ્રમાં થોડાં સ્થળોએ વરસાદ પડ્યો જ્યારે કે કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું.
 
રવિવારે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર ધીમા દબાણનો વિસ્તાર આજે સવારે 5-30 કલાકે ઓછો થયો હતો. જોકે, બાકી રહેલું ઉપલા હવાનું ચક્રવાતી પરિભ્રમણ વિદર્ભ અને આસપાસના વિસ્તાર પર છે. આજે સવારે 8-30 કલાકે તે જ પ્રદેશમાં છવાયેલું છે. જે દરિયાની સપાટીથી સરેરાશ 7.6 કિલોમીટર ઉપર અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ નમે છે.
 
ચોમાસાનો એક પ્રવાહ હવે બિકાનેર, કોટા, ગુના, દમોહ, પેંડારા રોડ, સંબલપુર, પુરી અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડીમાંથી પસાર થાય છે.
 
તારીખ 29 ઑગષ્ટથી તારીખ 4 સપ્ટેમ્બર સુધી જોઈએ તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
30 ઑગસ્ટ, શનિવારે ગુજરાતમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
 
શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.