સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ઑક્ટોબર 2019 (12:40 IST)

ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને નુકસાન: ખેડૂતો ચિંતામાં

ગુજરાતમાં ચાલુ વર્ષે ભાદરવામાં ભારે વરસાદ પડતા રાજ્યના અનેક જિલ્લામાં વાવેતર સદંતર નિફળ રહેવાની ભીતિ વચ્ચે જગતનો તાત ચિંતિત બન્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પડેલા ભારે વરસાદથી પાછોતર કરેલા દિવેલા, મગફળી, તલ, મકાઈનું વાવેતરણ કોવાઈ જવાની દહેશત ખેડૂતોમાં ફેલાઈ હતી. ગીર પંથકમાં ગત શુક્રવારે પડેલા ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી. જેના કારણે મગફળી અને કપાસનાં પાકને ભારે નુકસાન થયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત શુક્રવારે ભારે વરસાદ પડતા ખેડૂતોની હાલત કાફોડી બની ગઈ હતી. સતત વરસાદને પગલે મોંઘા બીયારણ, ખાતર, મોઘી ખેડને લઈ જગતનો તાત હવે પાક નિષ્ફળ જતાં ચિંતિત બન્યો હતો. જ્યારે અમરેલીના ધારી અને ગીરનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું. જેને લઈને મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ ધારી ગીરમાં આવેલા સુખપુર ગામના પુલનું ધોવાણ થતાં ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં સપ્ટેમ્બર માસના અંતિમ ચરણમાં આવેલા વરસાદને કારણે ખરીફ વાવેતરને ભારે નુકસાનની ચોમેરથી બૂમ ઊઠી છે. ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા ૮ હજાર હેક્ટરમાં મકાઈ અને અડદના પાકને નુકસાન થયાનું તથા નુકસાનીના સર્વેમાં હજુ એકાદ સપ્તાહનો સમય લાગવાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ ઉત્પાદનમાં સરેરાશ ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો થયાનું ખેતીવાડી વિભાગ પણ સ્વીકારી રહ્યો છે. પ્રારંભિક અહેવાલ મુજબ મકાઈ અને અડદના પાકને ૮ હજાર હેક્ટરમાં વ્યાપક નુકસાન થયું છે. વિજયનગર અને પોશીના તાલુકામાં માટીની નીચે ખડકો હોવાથી સતત વરસાદને કારણે જમીનમાંથી પાણી ફૂટી ગયું છે જેને કારણે મકાઈના પાકમાં ડોડા ફૂટ્યા જ નથી આવી જ સ્થિતિ અડદના પાકમાં પણ છે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતા કપાસ ખાડો પડી ગયો છે તો બે હજાર હેક્ટરમાં વાવેતર કરેલ મગફળી જમીનમાં અંદર જ ઊગી ગયાની દહેશત પ્રવર્તી રહી છે.