ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (09:58 IST)

રાજકોટમાં એક રૂમ રસોડાના ફ્લેટધારકને PGVCL કંપનીએ 10.41 લાખનું બિલ ફટકાર્યું

પશ્ચિમ ગુજરાત વીજકંપનીએ તાજેતરમાં જ ગેરરીતિ આચરી કૌભાંડો કરતા અને મીટર રીડિંગ પેન્ડિંગ રાખી દેતા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે અને હવે વીજકંપનીના જ માણસો મીટર રીડિંગ કરી રહ્યા છે પરંતુ તાજેતરમાં જ પીજીવીસીએલના કર્મચારીએ પણ બિલિંગમાં ભગો કરતા શહેરના રેસકોર્સ પાર્કમાં 1 બીએચકેના ફ્લેટમાં રહેતા વીજગ્રાહકને 10.41 લાખનું વીજબિલ ફટકારી દેતા વીજગ્રાહક સહિત સૌ અચરજ પામ્યા હતા.શહેરના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા રેસકોર્સ પાર્ક ફ્લેટ નં. 68/201ના વીજગ્રાહક વાડોદરિયા જયંત રસિકલાલને ઘેર તારીખ 5 માર્ચને શનિવારે પીજીવીસીએલના જ કર્મચારી મીટર રીડિંગ કરવા આવ્યા હતા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીનું વીજબિલ આપ્યું હતું. ગ્રાહકે જ્યારે બિલની રકમ જોઈ ત્યારે તેઓ અચરજ પામ્યા હતા કારણ કે, સામાન્ય રીતે દર બે મહિને બે હજાર જેટલું બિલ આવતું હતું પરંતુ આ વખતે 10,41,368નું બિલ અપાયું હતું. આ ઉપરાંત બિલમાં પણ 15 માર્ચ સુધીમાં આ બિલ ભરપાઈ કરી દેવાની સૂચના પણ હતી.