ખડગેના "મોદી જાયેગા" નિવેદન પર પીએમનો પલટવાર: "જીવનના અંતિમ ક્ષણ સુધી સેવા કરીશ, હું થાક્યો નથી કે અટક્યો નથી
પટણામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના "મોદીના પિતા પણ જશે" વાળા નિવેદન બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપે આ નિવેદનને મુદ્દો બનાવીને "મોદી ક્યાંય નહીં જાય" નારા સાથે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન બનાસકાંઠામાં રોડ શોથી લઈને જાહેર સભા સુધી આ મુદ્દો ગુંજતો રહ્યો હતો. જોકે, પીએમ મોદીએ પોતે આ નિવેદન પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું, પરંતુ પોતાની ખાસ શૈલીમાં વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો હતો.
#WATCH | Banaskantha, Gujarat | Speaking on completing 25 years in public office, PM Modi says, "On October 7, I completed 25 years in public office. But it feels like just yesterday when I first took the oath of office in October 2001; you showered me with a lot of love." (Video source: DD)
— ANI (@ANI) October 30, 2026
વિપક્ષ પર કટાક્ષ અને નિવૃત્તિની અટકળો પર વિરામ
જાહેર સભામાં પીએમ મોદીએ વિપક્ષને "અફવા ફેલાવનારા" ગણાવ્યા હતા અને "બટાકામાંથી સોનું" બનાવવાની વાતને યાદ કરીને રાહુલ ગાંધી પર પરોક્ષ રીતે કટાક્ષ કર્યો હતો. પોતાની ૨૫ વર્ષની બંધારણીય સફરને યાદ કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ થાક્યા નથી કે અટક્યા નથી અને જીવનના અંતિમ ક્ષણ સુધી દેશની સેવા કરતા રહેશે. તેમનું આ નિવેદન તેમની નિવૃત્તિ અંગે અટકળો લગાવનારાઓ માટે મોટો ફટકો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ૨૦૨૯ની ચૂંટણી જીતીને એનડીએ સત્તામાં આવશે તો તેઓ ચોથી વખત પીએમ બનીને નવી ઇનિંગ રમશે.
બનાસકાંઠામાં સ્થાનિક લોકો અને ખેડૂતો સાથે ભાવાત્મક જોડાણ
પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ બનાસકાંઠાના પશુપાલકો અને ખેડૂતો સાથે ઊંડું આત્મિય જોડાણ વ્યક્ત કર્યું હતું. તેમણે ભાવુક થઈને કહ્યું કે તેઓ મૂળમાં કંઈ નહોતા, પરંતુ ગુજરાતની જનતાએ જ તેમને ઘડીને આ સ્થાને પહોંચાડ્યા છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના સંબોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેમને "પીએમ સાહેબ" કહેવા કરતા જ્યારે કોઈ "અપના નરેન્દ્ર" (આપણા નરેન્દ્ર) કહે છે ત્યારે વધુ ગર્વ અનુભવાય છે.
'આપનો નરેન્દ્ર'નો નારો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આગામી આક્રમક વલણ
વર્ષ 2014 માં જ્યારે સમગ્ર દેશમાં "અબકી બાર મોદી સરકાર"નો નારો હતો, ત્યારે ગુજરાતમાં "આપનો નરેન્દ્ર, આપણો પીએમ"નો નારો ગુંજ્યો હતો અને જનતાએ તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપને વિજય અપાવ્યો હતો. આ જૂના દિવસો યાદ અપાવીને પીએમ મોદીએ ફરી એકવાર ગુજરાતના કાર્યકરો અને જનતામાં નવો ઉત્સાહ ભર્યો છે. હવે એવી પ્રબળ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પીએમ મોદી કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર વધુ આકરા પ્રહારો કરશે.

