બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 7 ઑક્ટોબર 2017 (15:22 IST)

પીએમના ગુજરાત પ્રવાસ ટાણે જ અમદાવાદમાં દેશી બોમ્બ મળતાં પોલીસ દોડતી થઈ

એક તરફ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે અને બીજી તરફ અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનની તંબુ ચોકીના પાછળના ભાગેથી 15 દેશી બોમ્બ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે વડાપ્રધાન વારંવાર ગુજરાત દોડી આવે છે અને કોંગ્રેસ પણ કમર કસીને રાહુલ ગાંધી અહીં સંવાદ રેલીઓ યોજી રહ્યા છે ત્યારે 15 જેટલા દેશી બોમ્બ મળી આવતા ચૂંટણી પૂર્વે શહેરમાં ધડાકાઓ કરવામાં આવશે કે કરાવવામાં આવશે? એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. કચરાના ઢગલામાંથી 15 દેશીબનાવટના બોમ્બ મળી આવતા દરિયાપુર પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ વિરોધી દળ ઘટના સ્થળે પહોંચી ગયુ છે. દરિયાપુર તંબુ ચોકીની પાછળના ભાગે સવારે સફાઈ કરવા આવેલા કામદારની નજર પડી કે કચરા પેટીમાં તંબાકુના ડબ્બાઓ પડ્યા છે. તેણે ધ્યાનથી જોતા તેને ખ્યાલ આવી ગયો કે તે દેશી પ્રકારના બોમ્બ છે. એટલે તેણે તરત તંબુ ચોકીમાં હાજર પોલીસ અધિકારીને જાણ કરતા સિનિયર પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા. સ્થળ ઉપર આવેલા બોમ્બ વિરોધી દળ બોમ્બની તપાસ કરતા તેમાંથી કાચના ટુકડા-ખીલ્લીઓ, છરા અને સ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. જો કે સ્ફોટક પદાર્થ કઈ ક્ષમતાનો હતો તેની જાણકારી ફોરેનસીક તપાસ બાદ જાણવા મળશે. જો કે અમદાવાદના દરિયાપુરમાં બોમ્બ મળી આવ્યાના સમાચારને કારણે શહેરમાં ફરી કઈક બનશે તેવા તર્ક વિર્તક થઈ રહ્યા છે.