ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑગસ્ટ 2021 (08:14 IST)

દેશના પહેલા સોલાર વિલેજ મોઢેરાનું 5 સપ્ટેમ્બરે PM મોદી મહાત્મા મંદિરથી લોકાર્પણ કરશે

5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલાર વિલેજ એવા મોઢેરા અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે. 69 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. શિક્ષક દિવસે મહાત્મા મંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટનો પ્રારંભ કરવા આવી રહેલા વડાપ્રધાન મોદી રિમોટ કંટ્રોલથી મોઢેરા સોલાર વિલેજ અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે.

હાલમાં મોઢેરા ગામની વીજળીની જરૂરિયાત પ્રતિ કલાક માત્ર 10 હજાર યુનિટની છે, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને વિસ્તૃત બનાવાયો છે, જેથી પ્રતિ કલાક 1.50 લાખ યુનિટ વીજળીની ડિમાન્ડ સોલાર મારફતે પૂરી પાડી શકાશે. આ પ્રોજેક્ટમાં દક્ષિણ કોરિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. દિવસે ઉત્પન્ન થયેલી વીજળીનો સંગ્રહ થઇ શકે તેવી વ્યવસ્થા કરી છે. સંપૂર્ણ ગામ માત્ર સોલાર વીજળીથી જ ચાલશે. ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કોર્પોરેશને આ પ્રોજેક્ટને હાથ ધર્યો છે, જેમાં મોઢેરાના તમામ 1610 ઘરને સંપૂર્ણ સોલાર આધારિત વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે 11મી સદીમાં બનેલું ઐતિહાસિક સૂર્ય મંદિર પણ સૂર્ય ઊર્જાથી ઝળહળશે.