બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2020 (13:56 IST)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૧મી માર્ચે ગુજરાત આવશે વડોદરામાં સભાને સંબોધશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૧મી માર્ચે વડોદરાના મહેમાન બનશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન-ગુજરાત રિફાઇનરી દ્વારા વધુ સંવર્ધિત અને પર્યાવરણ મિત્ર પરિશુદ્ધ બળતણ બીએસ-૬ની ઉત્પાદન સુવિધા સ્થાપવામાં આવી છે. જાહેરક્ષેત્રની એચપીસીએલ કંપની દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહન માટે નવી પાઇપલાઇનનું આયોજન કરાયું છે. તે ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનું તેઓ લોકાર્પણ કરનાર છે. જે માટે શહેરના નવલખી મેદાન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમના આયોજનને લઇને તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલા ધારાસભા હોલ ખાતે અધિકારીઓની એક ખાસ બેઠક જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં બેઠકમાં વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે પીએમની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ સંબંધિત તમામ વ્યવસ્થાઓનું સંકલન પ્રાંત અધિકારી વડોદરા શહેર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલને આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં અંદાજે ૨૫ હજાર જેટલા લોકોને એકઠા કરવાની યોજના છે. જેમને નરેન્દ્ર મોદી સંબોધન કરશે. કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા પાણી અને ફૂડ પેકેટ્સ, વાહન વ્યવસ્થા, આરોગ્યલક્ષી સુવિધાઓ અને મોબાઇલ સેનિટેશનની વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોને બેઠકમાં સૂચના આપી હતી. જ્યારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે કાર્યક્રમ પૂર્વે નવલખી ગ્રાઉન્ડમાં સફાઇ તેમજ સ્થળ પર લેવલીંગ કરી સમથળ બનાવવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.