શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: મંગળવાર, 1 નવેમ્બર 2022 (18:15 IST)

પીએમ મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત ઝુલતા પુલની લીધી મુલાકાત, દુર્ઘટનાના ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે કરી વાત

modi morbi bridge
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની આજે મુલાકાત લીધી હતી. વડાપ્રધાનએ પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
 
વડાપ્રધાનએ આજે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાનએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેકનીકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.