Gujarat Police Bharti: પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, OJAS પોર્ટલ પર 17 ઓગસ્ટથી મળશે કૉલ લેટર
Gujarat police bharati board
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ કેડર માટેની લેખિત પરીક્ષાની તારીખ નક્કી કરી દેવાઈ છે. આ લેખિત પરીક્ષા ૨૩ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાશે. પરીક્ષા માટેના કોલ લેટર ઉમેદવારો 17 ઓગસ્ટના રોજ બપોરે 2:00 વાગ્યાથી OJAS ની અધિકૃત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા પોલીસ વિભાગમાં અલગ-અલગ ટેક્નિકલ અને અન્ય કેડરની જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની 172 જગ્યાઓ, ટેક્નિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની 35 જગ્યાઓ તેમજ હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-1 ની 45 જગ્યાઓનો સમાવેશ થાય છે.
બંને સંબંધિત ભરતી માટે અરજી કરનાર કોમન ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. ભરતી બોર્ડની વેબસાઇટ પર આવા કોમન ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જે ઉમેદવારોનું નામ આ યાદીમાં ન હોય, તેઓ 10 ઓગસ્ટના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆત બોર્ડ સમક્ષ કરી શકશે.
