ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક; યુ.એન. મહેતા હોસ્પિટલમાં સફળ એન્જિયોપ્લાસ્ટી
Pradyuman Vaja health updates
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને ગઈકાલે મોડી સાંજે માઇનોર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ સમયસૂચકતા વાપરી તપાસ કરતા હૃદયની નળીઓમાં બ્લોકેજ જણાયું હતું, ત્યારબાદ સફળતાપૂર્વક સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
શિક્ષણ મંત્રી શુક્રવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજિત 'શતાબ્દી શિક્ષા મહોત્સવ'માં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે સુંદર પ્રેરણાત્મક વક્તવ્ય પણ આપ્યું હતું. જોકે, કાર્યક્રમ બાદ તેમને સામાન્ય અસ્વસ્થતા જણાતા, તેઓ પોતે પણ મેડિકલ ડિગ્રી (M.D.) ધરાવતા હોવાથી સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
તબીબી સારવાર અને વર્તમાન સ્થિતિ
એન્જિયોગ્રાફી દરમિયાન હૃદયમાં માઇનોર બ્લોકેજ દેખાતા નિષ્ણાત તબીબોની ટીમે તુરંત સ્ટેન્ટ મૂકવાનો નિર્ણય લીધો હતો. સ્ટેન્ટ મુકાવ્યાના ગણતરીના સમયમાં જ મંત્રીશ્રી સંપૂર્ણ સ્વસ્થ અને ભાનમાં હતા. તેમણે હોસ્પિટલના બિછાનેથી જ શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તબીબોની સલાહ અનુસાર, મંત્રીશ્રી આગામી 5 દિવસ સુધી હોસ્પિટલ/નિવાસસ્થાને સંપૂર્ણ આરામ કરશે.
ડૉ. પ્રદ્યુમન વાજાનો ટૂંકો પરિચય:
મૂળ અમદાવાદના વતની અને કોડીનાર વિધાનસભાના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજા વ્યવસાયે ડોક્ટર છે. તેમની પાસે MBBS, MD, DGO તેમજ LLB, LLM જેવી ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રીઓ છે. ઓક્ટોબર ૨૦૨૫માં થયેલા કેબિનેટ વિસ્તરણમાં તેમને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
"મારી તબિયત અત્યારે એકદમ સ્થિર છે. રૂટિન ચેકઅપમાં સમયસર નિદાન થતા મોટી આફત ટળી છે. આપ સૌની પ્રાર્થના અને સ્નેહ માટે ખૂબ ખૂબ આભાર." — શિક્ષણ મંત્રી કાર્યાલય