બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2017 (15:55 IST)

PSI માટેની ખાતાકીય પરીક્ષામાં 29 ખોટા પ્રશ્નો પૂછાયા

ગુજરાત સરકારના વર્ગ-3ના કર્મચારીઓના ખાતાકીય પ્રમોશન માટે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તાજેતરમાં રાજ્યમાં 403 જેટલી PSI પોસ્ટ માટે  હેડકોન્સ્ટેબલ અને આસી. સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે બોર્ડની આ એક્ઝામમાં 100-100 માર્કના બે પેપર હતા.  જોકે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પેપરમાં 29 જેટલા એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના જવાબ ખોટા હતા અથવા એકથી વધુ સાચા જવાબ હતા.

જેના કારણે પરીક્ષા આપનાર 5300 વ્યક્તિઓ પૈકી 692 કર્મચારીઓ એવા છે કે જેઓ માત્ર 0.5થી 2 માર્ક માટે પહેલા પેપરમાં ક્વોલિફાય થતા રહી ગયા છે. પરીક્ષાની જાહેરાત મુજબ જે વર્ગ-3ના કર્મચારીઓ કોન્સ્ટેબલ અને આસિ. સબ ઇન્સ્પેક્ટરે 15 વર્ષની સેવા બજાવી હોય તેઓ આ પરીક્ષામાં ભાગ લેવા માટે એલિજેબલ જાહેર કરાયા હતા. સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ જો આવી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં 10થી વધુ પ્રશ્નો ખોટા ઠરે તો આ પરીક્ષાને રદ કરવાની હોય છે. જ્યારે બોર્ડનું કહેવું છે કે માત્ર 7 પ્રશ્નો જ ખોટા છે અને તેના માર્ક નિયમ મુજબ વહેંચી દેવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષાની જવાબવહીમાં ખોટા જવાબ અંગેનો વિવાદ ઉભો થયા બાદ બોર્ડે નિષ્ણાંતો દ્વારા આ કીને ફરી એકવાર ચેક કરાવી છે અને 7 પ્રશ્નો સિવાય બધા જ જવાબો સાચા છે.