વિવાદિત ધર્મગુરુ રાધેમા ચાર દિવસથી સંઘ પ્રદેશ દમણ અને દાનહની મુલાકાતે આવ્યા છે, પરંતુ તેમની દાનહની મુલાકાત વિવાદોમાં રહી છે. દમણની મુલાકાત વખતે રાધેમાએ મંદિરની મુલાકાતમાં કરેલા નૃત્ય અને ઠુમકાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ઉપરાંત દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ અને દમણ-દીવ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડેલ પણ રાધેમાના ઘૂંટણીએ પડ્યા હતા.
રાજકીય આગેવાનો પણ રાધેમાના દર્શન માટે દોડી ગયા હતા. રાધેમા દમણના કંઠેશ્વર મંદિરમાં જઇને દર્શન કર્યા હતા. રાધેમાએ મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિ સામે ભજનની ધૂન અને અલગ પ્રકારનું નૃત્ય કર્યું હતું. મંદિરમાં ઠુમકા લેતા રાધેમાના નૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મુલાકાત દરમિયાન દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ગોપાલ ટંડેલ પણ રાધેમાને મળવા માટે પહોંચી જઈ દર્શન કર્યા હતા. આ બન્ને નેતાઓ રાધેમાના ઘૂંટણીએ પડ્યા હતા. રાધેમાના દરબારમાં ભાજપના બે ઉચ્ચ આગેવાનો પહોંચી જતાં આ મુદ્દે દિવસભર ચર્ચા ચાલી હતી. રાધેમાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મંદિરમાં ભગવાન સામે નૃત્ય કરવુ એ ઠુમકા નથી ભક્તિ છે. અવર નવર આ પ્રકારના વિવાદો અંગે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા ભક્તોને ગમે છે તેજ પ્રવૃતિ હુ કરૂ છુ બીજાની કોઈ પરવા નથી એવુ મીડિયા સામે કહ્યુ હતું.