1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (08:25 IST)

રાહુલ ગાંધીએ મોદી સમાજને લઇ કરેલી ટિપ્પણીના બદનક્ષી કેસમાં હાઈકોર્ટે સાહેદોને તપાસવાની પિટીશન મંજૂર કરી

રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના પોલાર ખાતે ચૂંટણી સભાને સંબોધતી વખતે નરેન્દ્ર મોદીને લઇને ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો. જેમાં સાહેદોને ચેક કરવાની પિટિશન હાઈકોર્ટે ખાતે કરવામાં આવી હતી. જેને નામદાર હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે. બદનક્ષીના કેસ દરમિયાન રાહુલ ગાંધી સુરત ખાતે હાજર રહ્યા હતા. ફરિયાદી પક્ષ દ્વારા સુરત કોર્ટમાં આ સંદર્ભના સાહેદોને તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને સુરતની ચીફ જ્યુડીશિયલ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ પૂર્ણેશ મોદી અને તેમના વકીલ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે બદનક્ષીના કેસમાં જરૂર જણાય એટલા સાહેદોને તપાસ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. સુરત ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં ફરિયાદ વકીલ દ્વારા 4 સાહેદોને તપાસવા માટે અરજી કરવામાં આવી હતી. રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી સભાઓને ગજાવતા ટિપ્પણી કરી હતી કે મોદી અટક વાળા તમામ લોકો ચોર કેમ હોય છે. જેમાં તેમણે લલિત મોદી, નીરવ મોદી આ બધા જ મોદીઓ ચોર છે. જેને ધ્યાનમાં રાખીને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને બદનક્ષીનો દાવો માંડ્યો હતો. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ દ્વારા અમને અમારો પક્ષ વધુ મજબૂતાઈથી મૂકવા માટેની મંજૂરી આપી છે. પહેલા અમે 4 સાહેદોની તપાસ કરવા માટે અરજી કરી હતી. પરંતુ હવે અમે ફરી એકવાર અભ્યાસ કરીશું અને કેટલા સાહેદોને આ કેસની અંદર તપાસવા જરૂરી છે. તેનો નિર્ણય લીધા બાદ નામદાર કોર્ટને જણાવીશું તે પ્રમાણે સાહેદોની તપાસ કરાશે.