બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જૂન 2024 (13:03 IST)

છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ,સંતરામપુરમાં પોણા બે ઇંચ ખાબક્યો

gujarati news
gujarati news

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થઇ જતાં ખેડૂતોએ બળદ જોતરી વાવણીનાં શ્રીગણેશ કર્યાં છે.

હવામાન વિભાગે અગાઉ સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી, જેમાં 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આગામી 36 કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે, જેને પગલે આ વર્ષે ભીમ અગિયારસે વાવણીનું મુહૂર્ત સચવાય એવી શક્યતા છે. જોકે, અમરેલીમાં વાવણીલાયક વરસાદ થતાં આજે સવારથી જ ખેડૂતોએ બળદ જોતરી વાવણીનાં શ્રીગણેશ કર્યાં છે.

છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સમયાંતરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઉપરાંત ઉપરવાસના મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને મધ્ય પ્રદેશમાંથી વહિને આવતી જિલ્લાની નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. ત્યારે આજે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે આજે વહેલી સવારે હેરણ નદીમાં નવા નીર આવતા ચલામલી પંથકમાં લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા અને હેરણ નદીમાં પાણી આવ્યા જોવા માટે નદી કિનારે પહોંચી ગયા હતા.

મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તરના કડાણા તાલુકાના ડિટવાસ, સરસવા, ગોધર ઉત્તર, સહિત પુનાવાડા બોર્ડર વિસ્તારમાં ધોધમાર ખેતી લાયક વરસાદ વરસ્યો હતો. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ કડાણા તાલુકાના મીરાપુરા ગામે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં એક મકાન પાસે વીજળી પડી હતી. જ્યાં બાંધેલ બે પશુઓના મોત નિપજ્યા છે. મીરાપુર ગામના હરેશભાઈ ખાતરાભાઈના ઘર આગળ બાંધેલ એક ગાય તેમજ એક બળદ પર વીજળી પડી હતી. વીજળી પડતા બન્ને પશુઓના મોત નિપજ્યા છે. ત્યારે ખેડૂત પરિવારમાં બે પશુઓના મોતથી શોખ વ્યાપ્યો છે.
]