ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતાતૂર

Last Modified સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (15:22 IST)

ગુજરાતમાં ચોમાસું સિઝનમાં પાછોતરા વરસાદથી ખેડૂતોના પાકો ઉપર વિપરીત અસર પડી છે. ખેડૂતોના કપાસનો પાક તૈયાર થવાની અણીયે સતત વરસાદના કારણે જીંડવા બળવા લાગ્યા છે અને કાળા પડી જવાના શરૂ થયા છે સાથે સાથે મગફળીનો પાક પણ જમીનમા કોહવાઇ રહ્યો છે. આ ઉપરાંત બાજરી, એરંડા, કપાસ, મગ, મઠ, અડદ અને તલનો પાક પણ નષ્ટ થઇ જતાં ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાની આવતા જગતના તાતની ઉંઘ હરામ બની છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોમા રોકડીયા પાક તરીકે ગણાતો અડદનો પાક પણ સતત વરસાદના કારણે નષ્ટ થઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હજુ એક સપ્તાહ એટલે કે દશેરા સુધી આ જ રીતે વરસાદ પડે તો ખેડૂતોનો 70થી 80 ટકા પાક બગડશે અને તેમની દિવાળી પણ બગડશે. જો આવું થશે તો જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો ભાવ વધશે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના પગલે પાકને નુકસાન થઈ રહ્યું છે. સિઝનનો 136 ટકા વરસાદ બાદ હવે નુકસાનના પ્રમાણની તીવ્રતા વધી રહી છે. રાજ્યના 13 જિલ્લામાં 2.85 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું હોવાનો સર્વે છે. આંકડા મુજબ રાજ્યમાં 13.66 લાખ હેક્ટરમાં 101 ટકા ખરીફ વાવેતર થયું છે. 70 ટકા વિસ્તારમાં કઠોળ, 104 ટકા વિસ્તારમાં તેલીબીયા, 104 ટકા વિસ્તારમાં અન્ય પાકનું વાવેતર થયુ છે. જો વરસાદ હવે નહી અટકે તો કેટલાક પાકની કાપણી અટકી શકવાની પૂરેપૂરી સંભાવના છે.


આ પણ વાંચો :