બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (12:55 IST)

ગુજરાતમાં પહેલા નોરતે ૧૯૦ તાલુકામાં વરસાદ: સૌથી વધુ ભાણવડમાં ૮ ઈંચ

સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલ રાતથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. આવનારા બે દિવસ ગુજરાત માટે ભારે સંકટ છે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગની ભારે વરસાદની અગાહી વચ્ચે દેવભૂમિદ્વારકાના ભાણવડમાં સૌથી વધુ ૧૯૯ મિમી એટલે કે ૮ ઇંચ વરસાદ થયો હતો, જ્યારે કલ્યાણપુરમાં ૧૪૨ મિમી અને ખંભાલીયામાં ૧૩૯ મિમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યના અન્ય તાલુકામાં સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં રાજકોટના લોધિયા તાલુકામાં ૧૧૫ મિમી, જામકંડોરણામાં ૧૦૪, ધોરાજીમાં ૬૮, ગોંડલમાં ૫૨, જેતપુરમાં ૪૭ અને કોટડાસાંગાણી, પડધરી ૪૬ મિમી, જ્યારે ઉપલેટામાં ૪૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો. મોરબીમાં સવારથી મેઘમહેર યથવાત છે. જિલ્લામાં હાલમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મોરબી જિલ્લામાં સવારના છથી સાંજના છ વાગ્યા સુધીમાં ટંકારામાં ૯૫ મિ.મી., મોરબી ૫૬, વાંકાનેરમાં ૪૩, મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢના માણાવદરમાં ૯૭ મિ.મી, કેશોદ ૬૬, માળિયામાં ૬૪, વિસાવદરમાં ૬૪, વંથલી ૫૯, ભેસાણમાં ૫૮, જૂનાગઢમાં ૫૮ મિમી, જૂનાગઢ શહેરમાં ૫૮ મિમી, માંગરોળમાં ૫૭, મેદરડામાં ૫૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જામનગરના જામજોધપુરમાં ૧૦૩ મિ.મી, જોડિયામાં ૯૨, જામનગર તાલુકામાં ૮૫, ધ્રોલમાં ૪૬, કાલાવડમાં ૪૫ મિ.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં સાયલા, તલાલા, વાડિયા, કુતિયાણા, ધ્રાંગધ્રા, વેરાવળ, થાનગઢ, પોરબંદર, હારિજ, વઢવાણ, બગસરામાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યના કુલ ૧૯૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

જિલ્લાના એકધારા અનરાધાર વરસાદના કારણે તમામ નદી નાળા છલકાયાં છે જયારે, ઓઝત અને સાંકડી નદી બે કાંઠે વહી રહી છે. સર્વત્ર ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢના જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઈ હતી. જેમાં બે મહિલાના મોત નીપજ્યાં હતાં.

દરમિયાન પાટીયાળી પાસે આવેલો મોતીસર ડેમના પાંચ દરવાજા ૪૦ ડિગ્રી સુધી ખોલવામાં આવ્યા હતા. આથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવી મેંગણી ગામની નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. ગોંડલમાં વીજળી પડવાથી પાવર ઓવરલોડ થતા એસીના શો રૂમમાં આગ ભભૂકતા બળીને ખાખ થઈ ગયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવક વધતા રાજકોટના આજી એક અને બે તેમજ ન્યારી એક અને બે ડેમ ફરીવાર ઓવરફ્લો થયા હતા.