ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 માર્ચ 2020 (14:51 IST)

ગુજરાતમાં કમોસમી વરસાદઃ આગામી 12 કલાક ભારે હોવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. હજુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના મતે હજુ આગામી 12 કલાકમાં રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના મતે, આજે પણ રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સવારથી કેટલાક વિસ્તારોમાં ધીમેધારે તો કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
હવામાન વિભાગના મતે, દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વલસાડ, દ્ગારકા, પોરબંદર, કચ્છ, બનાસકાંઠામાં પણ વરસાદી છાંટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આજે સવારથી કચ્છ તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ખાંભાના ગ્રામ્ય પંથકમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત દેખાઈ રહ્યા છે. ઘઉં, જીરૂ, કપાસ, કેરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના મોટા બારમન, ચોતરા, નાના બારમન સહિતના પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદી ઝાપટું પડી રહ્યું છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જોઈએ તો મહિસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર અને સંતરામપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. મહિસાગર જિલ્લામાં ઘઉં, મકાઈ, બાજરીમાં કમોસમી વરસાદના કારણે બગડી જવાના એંધાણ વર્તાયા છે. નવસારીના ચીખલી વિસ્તારમાં પણ વરસાદના અમી છાટણા થયા છે. કમોસમી વરસાદનું દક્ષિણ ગુજરાતમાં પણ આગમન થયું છે. નવસારીના હાઈવે પર વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. બીજી બાજુ ખેડૂતોમાં કેરીના પાક બગડવાની ચિંતા સેવાઈ રહી છે.
આણંદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકશાનની ભીતિ સેવી છે. બીજી બાજુ અરવલ્લીના માલપુર અને મેઘરજમાં પણ કમોસમી વરસાદ છે. માલપુરમાં વરસાદથી મેળાના વેપારીઓને હાલાકી પડી રહી છે. મેળાના વેપારીઓના મંડપ પવનની ઝાપટે ઉડ્યા છે જેના કારણે તેમને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઉભરણ, અણિયોર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.