મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (17:25 IST)

ગુજરાતમાં આગામી 12થી 16 જૂન દરમિયાન હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં આગામી 2  દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. નવસારી, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગ દ્વારા આગામી 16મી જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે  જે મુજબ  આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જેમાં મુખ્યત્વે ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, પોરબંદર અને અમરેલીમાં વરસાદ વરસે તેવી આગાહી છે. જો કે હવામાન વિભાગ અનુસાર આ પાંચ દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
 
વરસાદની સૌથી વધુ જમાવટ સૌરાષ્ટ્રમાં થવાની શક્યતા છે. જેને લીધે અહી ખેડૂતોને કેરીના પાકનુ નુકશાન થવાનો ડર છે  વરસી રહેલો વરસાદ અને બદલાયેલું વાતાવરણ કેરીના પાક માટે નુકસાનકારક હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી વલસાડમાં છવાયેલા વરસાદી માહોલને કારણે અત્યારથી જ વલસાડ જિલ્લામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત્ ચોમાસું બેસી જશે. એની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.