ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (12:50 IST)

ગુજરાતમાં મંદિરો, બાગ બગીચા અને જિમ ખુલ્યાં, વાંચો ગ્રાઉન્ડ રીપોર્ટ

રાજ્યમાં આજથી આશરે બે મહિના બાદ મંદિરો ખુલી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા તમામ મોટા મંદિરોમાં આજથી ભક્તો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું જગન્નાથ મંદિર, મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર, માધુપુરા અંબાજી મંદિર, મણિનગર સ્વામિનારાયણ મંદિર ગાદી સંસ્થાન તેમજ લાલદરવાજા ભદ્રકાળી મંદિર આજે વહેલી સવારથી માસ્ક પહેરી પ્રવેશ, સોશિયલ ડિસ્ટન્સ અને એકસાથે 50 લોકોની મર્યાદામાં દર્શન માટે ચાલુ કરવામાં આવ્યા હતા. આજથી મંદિર શરૂ થતાં લોકોને મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરવા મળતાં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

કોરોનાકાળમાં સૌથી પહેલાં જીમ, મલ્ટીપ્લેક્સ થિયેટરો, સ્વિમિંગ પુલ વગેરે બંધ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને કારણે લાંબા સમય સુધી તેને બંધ રાખવાનો સરકારે નિર્ણય લીધો હતો. કોરોનાકાળમાં સૌથી પહેલાં જે બંધ થયા હતા તે અંતમાં શરૂ થયા છે. કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં લગભગ સાતથી આઠ મહિનાના સમય સુધી જીમ બંધ રહ્યા હતા. ત્યારબાદ બીજા શહેરમાં પણ ત્રણ મહિનાથી વધુ સમય સુધી જીમ બંધ રહેતા જીમ સંચાલકોની મુશ્કેલીઓ વધી હતી.

ડભોઇ તાલુકાના સૂપ્રસિધ્ધ કુબેરભંડારી મંદિર આજથી શ્રધ્ધાળુઓ માટે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. મંદિર ખૂલતાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી ગયા હતા. ભક્તો માસ્ક પહેરી દર્શન કરી શકશે અને દર્શન બાદ પરિસરમાં બેસવાની મનાઈ સહિતના અનેક નિયમોનું પાલન કરવું પડશે.લેઉવા પટેલ સમાજના એકતાનું પ્રતીક ખોડધામ મંદિર આજથી ખૂલી ગયું છે. મંદિર સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ધ્વજારોહણમાં 50 ભાવિક જ ઉપસ્થિત રહી શકશે. આ મંદિર છેલ્લા બે મહિનાથી ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ આજથી ખૂલતાં ભાવિકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈન્સના પાલન સાથે મંદિર પરિસર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના આ નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે. 10 એપ્રિલ-2021થી ખોડલધામ મંદિર કોરોનાવાયરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું, જ્યારે વિશ્વપ્રસિદ્ધ વીરપુરનું જલારામ મંદિર 14 જૂનના રોજ ખૂલશે.

કોરોનાની શરૂઆતમાં પણ 6 મહિના સુધી જિમ બંધ રહ્યાં હતાં. ત્યાર બાદ અનલૉકની પ્રક્રિયામાં નિયમો સાથે જિમ ખોલવામાં આવ્યાં હતાં, પરંતુ શરૂ થયાના થોડાક જ સમયમાં બીજી લહેર ઘાતક સાબિત થવા માંડી અને સરકારે ફરીવાર મિની લોકડાઉન જેવાં નિયંત્રણો લાગુ કરી દીધાં હતાં. આજે ફરીવાર જિમ ખૂલ્યાં છે. પ્રથમ દિવસે જ જિમમાં 50 ટકા કેપેસિટી રાખવામાં આવતાં તમામ લોકો હાજર રહ્યા હતા. લોકોએ અત્યારસુધી ઘરે અને ઓફિસમાં રહીને આરામ કર્યો છે અને જેના કારણે ફિટનેસ ઘટી છે જે હવે જિમ ખૂલતાં ફરી જાળવવાનો પ્રયત્ન કરશે.