રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (16:26 IST)

ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા, કેડિલાના રાજીવ અને મોનિકા મોદી થયા અલગ

રાજ્યના એક મોટી ઉદ્યોગપતિ અને કેડિલાના માલિક રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા મોદી વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. આ છૂટાછેડાને ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા ગણવામાં આવી રહ્યાં છે. આ બંન્નેના લગ્ન 26 વર્ષ પહેલા થયા હતા. રાજીવ અને મોનિકાને બે સંતાન છે. 
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ અને કેડિલા ફાર્માના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ મોદી અને તેમના પત્ની વચ્ચે અણબનાવ બન્યો હતો. ત્યારબાદ આ મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. આ કેસની અંદર એક મહિનાની અંદર 200 કરોડ ચુકવવાની શરતે સમાધાન થયું છે. આમ આ છૂટાછેડાને ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા ગણવામાં આવી રહ્યાં છે. 
આક્ષેપ એવો પણ હતો કે ડો. રાજીવ મોદીને કોઈ અન્ય મહિલા મિત્ર હોવાથી પત્ની સાથે ઝઘડો થયો હતો. 29મી ઓગસ્ટના રોજ પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં ડો. રાજીવે પત્ની પર હાથ ઉપાડ્યો હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં એવો પણ આક્ષેપ થયો છે કે ડો. રાજીવે તેમની પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ડો. રાજીવ અને મોનિકા નિરમા યુનિવર્સિટી નજીક એક વૈભવી બંગલોમાં રહે છે.
પતિ તરફથી કથિત મારપીટ બાદ મોનિકાએ ફોન કરીને પોલીસને બોલાવી હતી. આ ઉપરાંત તેમણે તેમના વકીલો અને સગા-સંબંધીઓને પણ ફોન કરીને બોલાવી લીધા હતા. ડો. રાજીવના બંગલે આવી પહોંચેલી પોલીસે તેમને પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. જોકે, તેઓ પોલીસ વાનમાં નહીં પરંતુ પોતાની ગાડીમાં જ પોલીસ સ્ટેશન ગયા હતા.
આ દરમિયાન પતિ અને પત્નીના વકીલો પણ સોલા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે છ કલાક સુધી પતિ અને પત્ની વચ્ચે સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પુત્રને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. પુત્રએ પોતાના પિતા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.