શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (15:18 IST)

રાજકોટના CP મનોજ અગ્રવાલ 15% કમિશને ડૂબેલાં નાણાં અપાવે છે, 15 કરોડની ઠગાઈમાં 75 લાખ પડાવ્યા’, ભાજપના MLA ગોવિંદ પટેલનો પત્ર

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે.

તેણે એક કિસ્‍સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્‍સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે. તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્‍સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્‍સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્‍સો માગ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રમાણે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસૂલાત કરી છે, જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના PI મારફત વસૂલ્યા છે, બાકીની 30 લાખની ઉઘરાણી જે-તે PI ફોનથી કરી રહ્યા હતા પરંતુ આ રકમ આવી નથી. ત્‍યાર બાદ આપના પાસે ફરિયાદ થતાં FIR દાખલ થઈ હતી, જેમાં બે આરોપીને પકડ્યા પણ ખરા, એક આરોપી ભાગતો ફરે છે અને આ જ રકમમાંથી એક ફ્લેટ લીધો છે. આમ, પોલીસ કમિશનર આવા ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. આ અંગેની આપને આપેલી ફરિયાદ પછી અને FIR ફાડ્‍યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી તેમજ પોલીસ કમિશનરે લીધેલી 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલાં ભરો તેવી વિનંતી છે.રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદે જણાવ્યું હતું કે ગોવિંદભાઈએ પત્ર લખી પોલીસ કમિશનર પર આક્ષેપો કર્યા છે એ અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે. પત્રમાં કેટલું તથ્ય છે એ અંગે ઉચ્ચ અધિકારી હેઠળ તપાસ કરાવવામાં આવશે. હથિયારના લાઇસન્સમાં 5-5 લાખ લેવામાં આવી રહ્યા છે એ અંગે મને ખબર નથી. મીડિયાએ સવાલ કર્યો કે મનોજ અગ્રવાલ રાજકોટ પોલીસ કમિશનર બન્યા ત્યારથી હથિયારનાં લાઇસન્સ વધારે આપવામાં આવ્યાં છે, ક્રાઈમ રેટ ઘટ્યો છે તો હથિયારના લાઇસન્સ આપવાની જરૂર શી? આ સવાલના જવાબમાં પણ જેસીપીએ મને ખબર નથી એવું કહ્યું હતું. ગોવિંદભાઈની મારી સાથે કોઈ વાત થઈ નથી. આ અંગેની તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ થશે.