શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (15:57 IST)

રાજકોટમાં PSIના હાથે મોતને ભેટેલા યુવકની પત્નીને 3 માસનો ગર્ભ

બુધવારે શહેરના એસટી બસસ્ટેશનની પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરનું કવર બદલતી વખતે પીએસઆઇ પી.પી. ચાવડાથી ફાયરીંગ થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલેન કપાળમાં ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિમાંશુનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં લાશ સ્વીકારવા તૈયાર નથી. કરૂણતા એ છે કે, હિમાંશુની પત્ની ઇશાબેનને પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. સગર્ભા પત્ની પતિની હત્યા થઇ છે તેવી બૂમો પાડી રહી છે. ઇશાબેને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીએસઆઇ ચાવડાને ગમે ત્યાંથી લઇ આવો તે મારી સામે જોઇએ. રાજકોટના પોલીસ કમિશનર મારી સામે જોઇએ. જ્યારે બહેને પોલીસ સમક્ષ ખોળો પાથરી ભાઇની ભીખ માંગી હતી. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર મોટી સંખ્યામાં પરિવારજનો ઉમટી પડ્યા છે અને મહિલાઓ આક્રંદ કરી રહી છે. પત્નીએ એક જ જીદ પકડી છે કે ચાવડાને ગમે ત્યાંથી લઇ આવો મારી સામે જોઇએ. હિમાંશુની બહેન ચોધાર આંસુએ રડી રહી છે અને કહી રહી છે કે મારો ભાઇ જતો રહ્યો, બધાને બહેનો હોય છે. તમારે પણ ભાઇ હશે. જેનો ભાઇ જાયને તેને ખબર હોય છે. આજે મારો ભાઇ ગયો છે. મારા મા-બાપનું કોણ. મારો ભાઇ પરિવારનો આધારસ્તંભ હતો.