1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Rajkot Petrol Pump Dealer

રાજકોટ: પેટ્રોલ પંપ એસોસિએશન પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ; અફવા ફેલાવવા બદલ કડક કાર્યવાહી

Rajkot Petrol Pump Dealers Association
Rajkot Petrol Pump Dealers Association
રાજકોટ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. તેમના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે શહેરમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની અફવા વાયુવેગે ફેલાઈ હતી. આ અફવાને પગલે રાજકોટના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હતી, જેના પરિણામે HPCL કંપનીએ તેમનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.
 

 અફવા ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ અને લાયસન્સ રદ
 

આ ઘટના અંગે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ના અધિકારી દ્વારા ગોપાલ ચુડાસમા વિરુદ્ધ વિધિવત પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ગુનો નોંધાયાના માત્ર 24 કલાકની અંદર જ કંપની દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે પણ પુષ્ટિ કરી છે કે શિસ્તભંગ અને ખોટી માહિતી ફેલાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
 

 રાજ્ય સરકારની સ્પષ્ટતા: ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ
 

સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્યના પુરવઠા અધિક સચિવ મોના ખંધારે સત્તાવાર નિવેદન જારી કરવું પડ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈ પણ પ્રકારની અછત નથી. નાગરિકોને સોશિયલ મીડિયા કે અચોક્કસ સ્ત્રોતો દ્વારા ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી છે.
 

 ભારત અને ઈરાન વચ્ચે 8 વર્ષ બાદ LPG કરાર
 

બીજી તરફ, ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અંદાજે 8 વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર ઈરાન પાસેથી LPG ની ખરીદી શરૂ કરશે. આ સોદામાં 43 હજાર ટન બ્યૂટેન અને પ્રોપેનનો પણ સમાવેશ થાય છે, જેનો પુરવઠો BPCL અને HPCL જેવી અન્ય સરકારી તેલ કંપનીઓને પણ વહેંચવામાં આવશે. ભારતનો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે મહત્વનો માનવામાં આવે છે.
 

 નાયરા કંપનીના ભાવમાં વધારો, સરકારી કંપનીઓ યથાવત
 

ઈંધણના ભાવની વાત કરીએ તો, ખાનગી ઓઈલ કંપની 'નાયરા' એ પોતાના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. નાયરાએ પેટ્રોલમાં લિટર દીઠ 5 રૂપિયા અને ડીઝલમાં લિટર દીઠ 3 રૂપિયાનો વધારો કરતા તેના પંપ પર પેટ્રોલનો ભાવ 99.65 રૂપિયા અને ડીઝલનો ભાવ 93.07 રૂપિયા પર પહોંચ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે અન્ય સરકારી ઓઈલ કંપનીઓએ હજુ સુધી ભાવમાં કોઈ વધારો કર્યો નથી.      
ये भी पढ़ें
Gujarat Drugs Scam - હવે ઉંદરો પણ કરશે નશો ! ગુજરાતમાં જપ્ત કરાયેલું કરોડોનું ડ્રગ્સ ગાયબ, પોલીસે બહાનું આપ્યું- 'ઉંદરો ખાઈ ગયા'