સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2024 (13:01 IST)

રાજકોટ ટીઆરપી ગેમઝોન મામલે કોર્ટમાં એક લાખ પાનાંથી વધુની ચાર્જશીટ દાખલ કરાઈ

Rajkot Fire
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
 
ક્રાઇમ બ્રાન્ચે ગેમઝોનના માલિકો, સંચાલકો અને જવાબદાર અધિકારીઓ સહિત કુલ 15 લોકો સામે ચાર્જશીટ રજૂ કરી હતી.
 
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ ચાર્જશીટ એક લાખ કરતાં વધુ પાનાંની છે.
 
કેસની તપાસ કરનાર ક્રાઇમબ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે મહિના સુધી અલગ-અલગ મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરી હતી."
 
"આ કેસમાં પોલીસ દ્વારા કલમ 173(8) મુજબ તપાસ ચાલુ રહેશે. જો કોઈ ગુનાહિત બેદરકારી અંગેના પુરાવાઓ મળશે તો ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે."
 
ડીસીપીએ આપેલી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ગેમઝોનમાં કોઈ પેટ્રોલ કે ડિઝલનો જથ્થો મળ્યો નથી અને આગ મુખ્યત્વે લાકડા અને ફોમશીટને કારણે ફેલાયેલી હતી અને એફએસએલે પણ આ અંગે તપાસ હાથ ધરી હતી.
 
પોલીસે આપેલા બુકિંગ લાઇસન્સ અંગે ડીસીપી ગોહિલે કહ્યું કે કોઈ પણ ગેમઝોનમાં પોલીસ ટિકિટના દર અંગે મંજૂરી આપતી હોય છે. આ મુદ્દો અમારી તપાસનો વિષય ન હતો. આ જે દુર્ઘટના ઘટી તે કેવી રીતે ઘટી તે જ અમારી તપાસનો વિષય છે.
 
ઉલ્લેખનીય છે કે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં મે મહિનામાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 27 લોકોનાં મોત થયાં હતાં.