1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 નવેમ્બર 2018 (17:04 IST)

જસદણની પેટા ચૂંટણી 20 ડિસેમ્બરે, 23મીએ પરિણામ આવશે

ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી થનાર છે. ત્યારે આ બેઠક પર 20 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને 23મી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. તેવી ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 26 નવેમ્બરે ફોર્મ ભરવાનું શરૂ થશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર, 4 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની 6 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે. બન્ને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. ચૂંટણીની તારીખ જાહેર થવા છતાં હજી ઉમેદવારના ઠેકાણા નથી. કોંગ્રેસમાંથી ભોળાભાઇ ગોહેલ, અવસર નાકીયાનું નામ ઉમેદવાર તરીકે ટોચ પર છે. કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર પણ ઉભા રાખે તો પણ નવાઇ નહીં. અહીં એનસીપીએ પણ ઉમેદવાર લડાવાનું મન બનાવી લીધું છે. આ બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલાય તેવી શક્યતા છે. એનસીપી ભાજપના મત તોડવા ઉમેદવાર મુકી રહ્યુ છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોને લઇ NCP મેદાને પડશે તો જસદણ બેઠક કોળી મતદારોનો ગઢ કહેવાય છે અને વર્ષોથી લોકો કોંગ્રેસને મત આપી રહ્યા છે. આ વખતે જોવાનુ એ જ રહેશે કે કોંગ્રેસને વળગી રહેશે કે પછી કોળી ઉમેદવાર બાવળીયાની લોકપ્રિયતા યથાવત રહેશે. જો કે કોગ્રેસ પક્ષ છેલ્લી ઘડી સુધી ઉમેદવાર નક્કી નથી કરી શકી જો તે કોળી ઉમેદવાર મુકે તો જંગ જામશે. આ વખતે ખેડૂત અને પક્ષ પલ્ટાનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે. NCPના ઉમેદવાર તરીકે રતીભાઈ ડોબરીયા અથવા ચાંદનીબેન પટેલનું નામ નિશ્ચિત હોવાનુ સુત્રો કહે છે. પટેલો આમ પણ ભાજપથી નારાજ છે તે કોંગ્રેસ કે એનસીપી તરફ વળશે તો મતોનુ ધ્રુવીનીકરણ દેખાશે.