મહિલાનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી અશ્લીલ કોમેન્ટ કરી
સુરતના પુણા વિસ્તારમાં રહેતી તેમજ ગિફ્ટ આર્ટીકલ શોપ માં નોકરી કરતી ૩૮ વર્ષીય મહિલાનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી કોઈકે તેમાં અશ્લીલ કોમેન્ટ કરી તેમજ અશ્લીલ ફોટા મૂકી તેને બદનામ કરતા પુણા પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પુણા વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય મહિલા નિર્ભયા (નામ બદલ્યું છે) ગિફ્ટ શોપ માં નોકરી કરે છે. ફેસબુકમાં એકાઉન્ટ ધરાવતી નિર્ભયા ને સાત માસ અગાઉ તેના જીજાજી એ પૂછયું હતું કે ફેસબુકમાં તારા બે એકાઉન્ટ છે તો તેમાંથી કયું સાચું છે? નિર્ભયાએ પોતાના એકાઉન્ટ અંગે જીજાજીને માહિતી આપી પરંતુ બીજા એકાઉન્ટ અંગે વધુ ગંભીરતાથી કશું લીધું ન હતું. દરમિયાન, ચાર દિવસ અગાઉ નિર્ભયાને તેના પતિએ પૂછયું હતું કે તુ તારા ફેસબુક એકાઉન્ટમાં કેમ ખરાબ ફોટા અને કોમેન્ટ મૂકે છે? ઘણા સમયથી ફેસબુકનો ઉપયોગ જ ન કરતી નિર્ભયાએ પતિને તે હકીકત જણાવતા તેમણે નિર્ભયાને અશ્લીલ ફોટા અને અશ્લીલ કોમેન્ટ સાથે નું તેના નામનું એકાઉન્ટ બતાવ્યું હતું.
એકાઉન્ટ જોઇ ચોંકી ઉઠેલી નિર્ભયાને સાત માસ અગાઉ જીજાજીએ પૂછેલા બીજા એકાઉન્ટ અંગેની યાદ આવી હતી. જીજાજી સાથે વાત કર્યા બાદ તેને સ્પષ્ટ થયું હતું કે કોઈકે તેના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી અશ્લિલ ફોટા મૂકી અને અશ્લીલ કોમેન્ટ કરી તેને બદનામ કરવા પ્રયાસ કર્યો છે.આ અંગે નિર્ભયાએ ગતરોજ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી આઈ આર આર ભાંભળાએ વધુ તપાસ હાથ ધરી છે.