રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (18:46 IST)

વિધાનગૃહમાં કરી જાહેરાત, સુપ્રસિદ્ધ તીર્થ ચામુંડા ધામ ચોટિલામાં બનશે રોપ-વે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલામાં પર્વતની ટોચે બિરાજતા ચામુંડા માતાના દર્શને હવે ઝડપથી પહોચી શકાય તેવી યાત્રિ સુવિધા માટે ચોટિલામાં રોપ-વે સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રના આજના અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન એક પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થતાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આવેલા પવિત્ર યાત્રાધામોમાં આવતા શ્રદ્ધાળુ-યાત્રિકોની સુવિધા માટે રાજ્ય સરકારે યાત્રી સુખાકારીના અનેક આયોજનબદ્ધ કામો ઉપાડયા છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે હાલ આદ્યશક્તિ પીઠ અંબાજી, મહાકાળી ધામ પાવાગઢમાં દર્શનાર્થીઓ માટે રોપ-વે સફળતાપૂર્વક કાર્યરત છે. 
 
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વે ની સેવાઓ પણ લોકાર્પણ કરી છે. આ ત્રણેય રોપ-વે સેવાઓને યાત્રિકો-પ્રવાસીઓના મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદને પગલે હવે રાજ્યમાં ચામુંડા ધામ ચોટિલા ખાતે પણ રોપ-વે સેવા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ રોપ-વે કામગીરી માટેની એજન્સી પણ નિયત કરી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ રોપ-વે નિર્માણની કામગીરી શરૂ થઇ જશે.
 
ચોટિલામાં રોપ-વે શરૂ કરવાના રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે હવે, ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા વરિષ્ઠ વડીલો, વૃદ્ધો, બાળકો કે જરૂરતમંદ યાત્રિકોને રોપ-વે દ્વારા ચોટિલા પર્વતની ટોચે માતાજીના દર્શને પહોચવામાં સરળતા થશે. એટલું જ નહિ, સમય અને શ્રમ પણ બચશે. આ રોપ-વે સેવા શરૂ થવાથી ચોટિલા યાત્રાધામની તળેટી સહિતના આસપાસના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં યાત્રિકો-પર્યટકો આવતા થશે અને સ્થાનિક કક્ષાએ રોજગારી તેમજ આર્થિક ગતિવિધિને પણ નવું બળ મળશે.