બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 2 એપ્રિલ 2021 (08:57 IST)

અમદાવાદ-સુરત-કચ્છ સહિતના જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિય લોકોનું પણ કોરોના વેકસીનેશન ઝડપથી હાથ ધરાશે

મુખ્યમંત્રી મહત્વપૂર્ણ નિર્ણય - અમદાવાદ-સુરત-કચ્છ સહિતના જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિય લોકોનું પણ કોરોના વેકસીનેશન ઝડપથી હાથ ધરાશે
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને કચ્છ જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વસેલા પરપ્રાંતિય શ્રમિકો-લોકોને પણ ઝડપથી કોરોના-કોવિડ-19 વેકસીનેશનમાં આવરી લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 
રાજ્યમાં કોવિડ-19ની સ્થિતી સંદર્ભે નિયમીત રૂપે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળતી કોર કમિટિની બેઠકમાં થયેલી ચર્ચા-વિમર્શને પગલે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વસતા પરપ્રાંતિય નાગરિકો-લોકો જેમની ઉંમર ૪પ વર્ષથી વધુ છે તેમને કોવિડ-19 કોરોના રસીકરણ ઝડપથી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ કરી છે. 
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિય નાગરિકો-લોકોના સમાજના અગ્રણીઓને સાથે રાખીને ટેક્ષટાઇલ તેમજ ડાયમન્ડ એસોસિયેશનના પ્રતિનિધિઓના પરામર્શમાં રહીને પરપ્રાંતિય લોકો-પરિવારોના રહેણાંક-વિસ્તારમાં જ સત્વરે કેમ્પ યોજીને વેકસીનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આવા પરપ્રાંતિય લોકો માટે વેકસીનેશનની સ્ટ્રેટેજી બનાવી આ કામગીરી ઝડપથી ઉપાડવાની સૂચનાઓ જિલ્લા વહિવટીતંત્ર અને શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરોને આપી છે.