સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 જુલાઈ 2019 (00:15 IST)

સૌની યોજના ન હોત તો સૌરાષ્ટ્ર-કચ્છમાં જળ સંકટ સર્જાયુ હોત: વિજય રૂપાણી

વિજય રૂપાણી સૌની યોજનાને ગણાવી સૌરાષ્ટ્રની જીવાદોરી, એક વર્ષમાં સમગ્ર યોજના પૂર્ણ થશે 
 
- રાજ્ય સરકારે આ વખતના બજેટમાં પાણી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે
- સૌરાષ્ટ્રમાં પીવાના પાણીનો દુકાળ હવે ભૂતકાળ બની ગયો છે : સૌરાષ્ટ્રના ૭૦ ટકા વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે
- કચ્છના ટપર ડેમ થી માંડીને સૌરાષ્ટ્રના ૩૫થી વધુ જળાશયોને સૌની યોજનાથી ભર્યા છે
મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સૌની યોજના વિષયક પ્રશ્નના જવાબમાં વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાનું પાણી પૂરું પાડનારી સૌની યોજના ન હોત તો સૌરાષ્ટ્ર-કચ્છમાં જળસંકટ સર્જાયું હોત.વધુમાં જણાવ્યું હતું કે સૌની યોજનાની પાઇપ લાઇનથી ધોળી ધજા કે ઢાંકી થી સૌરાષ્ટ્રને પાણી ન મળ્યું હોત તો સૌરાષ્ટ્રને ખાલી કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોત. તેમણે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૩૫ જેટલા જળાશયોને ભરવાની ઘટનાને ઐતિહાસિક ગણાવી ઉમેર્યું હતું કે, અપૂરતા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં વારંવાર જળસંકટ સર્જાતું હતું. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં રાજકોટને ટ્રેનથી પાણી પૂરું પાડવામાં આવતું હતું. આજે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે સૌની યોજનાથી સૌરાષ્ટ્રનો મોટો એવો ભાદર ડેમ છલોછલ છે અને ધોરાજી-ગોંડલ વિસ્તારના લોકોને પાણી પૂરું પાડી શકાયું છે.
 
સૌની યોજનાને સૌરાષ્ટ્રની જીવાદોરી  ગણાવતા વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું કે, આ યોજના અંતર્ગત ૧૧૫ ડેમને સાંકળવાની કામગીરીનો અંતિમ તબક્કો ચાલુ છે અને એક વર્ષમાં સમગ્ર યોજના પૂર્ણ થશે.  આ યોજનાથી નર્મદા યોજનાનું દરિયામાં વહી જતું પાણી સૌરાષ્ટ્ર કચ્છ જેવા પાણી વિહોણા વિસ્તારોમાં પહોંચી શકશે. રાજ્યમાં જ્યાં વરસાદ અપૂરતો વરસે છે તેવા વિસ્તારોમાં આશિર્વાદ સમી એશિયાભરની મોટી એવી આ પાઈપલાઈન યોજનાને મુખ્યમંત્રીશ્રીએ ઐતિહાસિક ગણાવી હતી. 
 
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ શ્રેષ્ઠ પગલાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાના પાણીનો દુકાળ હવે ભૂતકાળ બની ગયો છે. હવે આ પાણીના કારણે આ વિસ્તારના ખેડૂતો પણ  સિંચાઈ આધારિત ખેતી કરી શકશે. આજે સૌરાષ્ટ્રના ૭૦ ટકા વિસ્તારોમાં નર્મદાનું નીર પહોંચ્યું છે એટલું જ નહીં કચ્છના ટપર ડેમ સુધી રાજ્ય સરકારે નર્મદાના નીર પહોંચાડ્યા છે જે આ રાજ્ય સરકારની સિદ્ધિ છે.
 
રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરવા સંદર્ભના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મંત્રી સૌરભપટેલે પ્રત્યુતર પાઠવ્યો હતો.  તેમણે જણાવ્યું હતું કે તારીખ ૩૧-૫-૨૦૧૯ની સ્થિતિએ સૌરાષ્ટ્રના જળાશયોને સૌની યોજના દ્વારા પાણીથી ભરવાની યોજના માટે કુલ ૧૮૫૨૩.૨૪ કરોડનો ખર્ચ થવાનો છે  જે અન્વયે  હાલ ૧૨૯૭૮.૬૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.  આ યોજના અંતર્ગત કુલ-૧૩૭૧ કિલોમીટરની પાઈપ લાઈનો પૈકી ૮૬૭.૯૧ કી.મી.ની પાઇપ લાઇનો નાખવામાં આવી છે. આ યોજનાથી વર્ષ ૨૦૧૮-૧૯મા ૨૨ જળાશયો, ૩૮ તળાવો અને ૧૪૧ ડેમો ભરવામાં આવ્યા છે.  આ યોજના વર્ષ ૨૦૨૧ માં પૂર્ણ થશે.