ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2020 (14:54 IST)

કોરોના ડયુટી કરવા વિદ્યાર્થીઓને ધમકી : વાલીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા

કોરોનામાં માનવ સંસાધનની અછતને પહોંચી વળવા ગુજરાત સરકાર દ્વારા મેડિકલ-પેરામેડિકલના તમામ વર્ષના વિદ્યાર્થીઓને ફરજીયાત કોવિડ સહાયકની કામગીરી કરાવવા આદેશ કર્યો છે ત્યારે અમદાવાદમાં મેડિકલ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર થવા આદેશો કરાયા છે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસથી માંડી ટર્મ ગ્રાન્ટ કરવા સહિતની અનેક ધમકી અપાતી હોવાની ફરિયાદો ઉઠી છે.વાલીઓ દ્વારા ફરજીયાત કોરોના ડયુટી સામે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની તૈયારી કરી છે. અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ખાનગી એવી એલ.જી મેડિકલ કોલેજ તેમજ એનએચએલ મેડિકલ કોલેજ તંત્ર અને કોર્પોરેશન તંત્ર દ્વારા આજે  એમબીબીએસ થર્ડ યર પાર્ટ 1 અને 2ના વિદ્યાર્થીઓને કોરોનામાં કામગીરીને લઈને ફરજીયાત બોલાવવામા આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામા આવી હતી કે સુરત  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોરોના ડયુટી કરનાર વિદ્યાર્થીઓને ઈન્ટરનલ પરીક્ષામાં 50 ટકા ગ્રેસિંગ માર્કસ તેમજ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી અને જમવા-રહેવાની સુવિધા સાથે 10 હજાર સ્ટાઈપેન્ડ સહિતની તમામ સુવિધા આપવામા આવી છે.આ તમામ સુવિધાઓ એએમસી દ્વારા પણ આપવામા આવે. જો કે કોર્પોરેશન અને કોલેજ તંત્ર દ્વારા કોઈ પણ જાતની બાયંધરી અપાઈ નથી.જેની સામે વિદ્યાર્થીઓ-વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે કોરોનામાં સહાયક કામગીરી ન કરવા બદલ પરીક્ષાથી બાકાત કરવા ઉપરાંત ટર્મ કેન્સલ કરવાની અને તેનાથી પણ આગળ ઘણા કડક પગલા લેવા સહિતની ધમકીઓ આપવામા આવી છે. વિદ્યાર્થીઓની એવી પણ ફરિયાદ છે કે સરકારની કોવિડ સહાયકની કામગીરીમાં ભેદભાવ નીતિ છે.અમદાવાદની સરકારી બી.જે.મેડિકલ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને કામગીરી માટે નથી બોલાવાયા જ્યારે કોર્પોરેશન દ્વારા ફરજીયાત બોલાવવામા આવી  રહયા છે. અનેક વિદ્યાર્થીઓ દૂર-દૂરના જિલ્લાના છે અને હોસ્ટેલમાં રહેતા હોય છે ત્યારે આવા વિદ્યાર્થીઓ કોરોનામાં આવી શકે તેમ પણ નથી છતાં ફરજીયાત આદેશ કરાતા અને ખાનગી કોલેજ હોવા છતાં સરકાર અને કોર્પોરેશન દ્વારા ધમકીઓ આપી કોરોના ડયુટી ફરજીયાત કરાવવા સામે વાલીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને પીઆઈએલની તૈયારી કરી છે.