બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જુલાઈ 2022 (09:44 IST)

આત્મવિવાહ કરનાર શમા બિંદુને ભાડાનું ઘર ખાલી કરવું પડ્યું, વડોદરા શહેર અને નોકરી પણ છોડવી પડી

shama bindu
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને ગત મહિને પોતાની સાથે જ લગ્ન કરનાર શમા બિંદુને આખરે ભાડાનું ઘર ખાલી કરવું પડ્યું છે. તેમજ તેણે નોકરી પણ છોડી લીધી છે. સાથે જ તેણે વડોદરા શહેર પણ છોડી દીધું છે.ભારતમાં સૌ પ્રથમવાર પોતાની સાથે જ લગ્ન એટલે આત્મવિવાહ કરવાની જાહેરાત કરતા વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતી શમા બિંદુ દેશ સહિત દુનિયાભરના ચર્ચામાં આવી હતી. શમા પોતાની સાથે જ લગ્ન એટલે કે સોલોગામી કરવાની હોવાથી વિવાદ પણ થયો હતો. જ્યાર બાદ હવે શમા જે સોસાયટીમાં રહેતી ત્યાના રહીશો અને મકાન માલિકે ભાડાનું ઘર ખાલી કરવાનું કહેતા તેણે ત્રણ દિવસ પહેલા ઘર ખાલી કરી દીધું છે.

એક વેબપોર્ટલને શમાએ જણાવ્યું હતું કે, સોસાયટીનું દબાણ હોવાથી મકાન માલિકે ઘર ખાલી કરવા કહ્યું હતું. ત્રણ ચાર દિવસ પહેલા મેં ઘર ખાલી કરી દીધું છે. સાથે જ વડોદરા શહેર પણ છોડી દીધું છે. ઓનલાઇન નોકરી કરતી હતી તે પણ સ્વેચ્છાએ છોડી દીધી છે. હાલ હું ક્યા શહેરમાં છું એ જાહેર નહીં કરું. હાલ એક મહિના માટે વડોદરા છોડ્યું છે. પછી પાછી આવીશ. હું બીજી નોકરી શોધી રહી છું.શમાએ કહ્યું હતું કે જો તમે વૃક્ષ સાથે લગ્ન કરી શકો, પ્રાણી સાથે લગ્ન કરી શકો, સજાતીય લગ્ન કરી શકો છો. પરંતુ મે મારી ખુશી માટે આત્મવિવાહ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હું ત્યારે પણ ખુશ હતી અને આજે પણ ખૂબ જ ખુશ છું. હું મારા નિર્ણય પર મક્કમ છું.શમાએ કહ્યું જ્યારે હું વડોદરા શહેરમાં બહાર નિકળું તો અનુભવતી હતી કે બધા લોકો મારાથી નારાજ ન હતા. પરંતુ કેટલાક લોકો મને જોઇને એકબીજા સાથે મારી વાત કરતા જોવા મળતા હતા. એક દિવસ ડેરીડેન સર્કલ પાસે રેસ્ટોન્ટમાં જમવા ગઇ ત્યાં લોકો મને જોઇએ મારા વિશે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા. જો કે ઘણા બધા લોકો સરખા નથી. ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પણ પાઠવી છે. મારી સાથે ઓનલાઇન વાતમાં 25થી 30 લોકો એવા પણ મળ્યા કે તેઓ પણ આત્મવિવાહ કરવા માંગે છે. પરંતુ હવે મને એ નથી ખબર કે તે લોકો ખરેખર સોલોગામી કરશે કે નહીં.