રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: હિંમતનગર , સોમવાર, 29 જુલાઈ 2024 (18:56 IST)

વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળ્યું, હિંમતનગરમાં અંડરબ્રિજમાં ST બસ પાણીમાં ગરકાવ

ST bus submerged in underbridge in Himmatnagar
ST bus submerged in underbridge in Himmatnagar
 હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત મધ્ય તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ, વડોદરા, ખેડા, મહિસાગર, સાબરકાંઠા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હિંમતનગરમાં અંડરબ્રિજમાં આખી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ હતી.આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 193 તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે.
 
સાબરકાંઠાના પ્રાંતિજમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ
સાબરકાંઠાના હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ હતી. હિંમતનગરથી વીરાવડા વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ અંડરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ હતી. આ બસ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં ફરી વળ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. 
 
અંબાજીમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
અંબાજી પંથકમાં આજે વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જેના પગલે સમગ્ર અંબાજી પાણી-પાણી થયું હતું. ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજીના હાઇવે માર્ગ સહિત અન્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. અંબાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો. અંબાજીના પોલીસ સ્ટેશનના આગળના ભાગે હાઇવે માર્ગ બેટમાં ફેરવાયું હતું. જેથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.