મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 ઑક્ટોબર 2018 (10:52 IST)

૨૦ રાજ્યોના ૩૮ શહેરોના ૧૪૦ ગુજરાતી આગેવાનો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સમારોહમાં ભાગ લેવા ગુજરાત પધાર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાપર્ણ સમારોહમાં ભાગ લેવા ગુજરાત પધારેલા વિવિધ રાજ્યોના ગુજરાતી સમાજના આગેવાનોએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ૧૨ રાજ્યોના ૬૦ જેટલા ગુજરાતી આગેવાનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રત્યે આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર હંમેશા અમને વતનમાં નોંતરીને અમારું સન્માન કરે છે. વતનથી દૂર રહીને પણ વતન સાથે જોડાયેલા રહેવાનું ગુજરાતીઓના જ સૌભાગ્યમાં હોઇ શકે. 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ રાજ્યોના ગુજરાતી આગેવાનોને આવકારીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ વિષે વિગતે વિમર્શ કર્યો હતો. વિવિધ રાજ્યોમાંથી પધારેલા ગુજરાતી આગેવાનોએ પોતપોતાના રાજ્યોની વિશેષતા જેવા પાઘડી, ટોપી કે પહેરણથી મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કર્યું હતું. કાશી ગુજરાતી સમાજના પ્રમુખે આભાર માન્યો હતો.
તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આસામ, તામિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, પંજાબ, કેરાલા, દિલ્હી, હરિયાણા અને આંદામાન-નિકોબાર સહિત ૨૦ રાજ્યોના ૩૮ શહેરોના ૧૪૦ જેટલા ગુજરાતી આગેવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ સમારોહમાં ભાગ લેવા ગુજરાત પધાર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત વેળાએ બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અગ્રસચિવ સી.વી.સોમ પણ ઉપસ્થિત રહ્યા હતા.