મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 નવેમ્બર 2018 (11:26 IST)

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓનલાઇન બુકિંગમાં થયો મોટો છબરડો

સ્ટેચ્યૂ ઓફ યુનીટી દર સોમવારે મેઇન્ટેનન્સ માટે બંધ રહે છે. પણ અણઘડ વહિવટના કારણે ઓન લાઇન ટીકીટ ચાલુ રહેતાં બહાર ગામથી આવતા પ્રવાસીઓ અટવાય છે. સ્ટેચ્યૂ ઓફ યુનીટીના લોકાર્પણને 18 દિવસ વીતી ગયા છે. રોજના હજારો પ્રવાસીઓની ભીડના કારણે દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનીટી તેમજ અન્ય જગ્યાઓની સાફ સફાઇ કામ માટે સ્ટેચ્યૂ ઓફ યુનીટી બંધ રાખવાનો નિર્ણય સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
સોમવારે નિયમાનુસાર સ્ટેચ્યૂ ઓફ યુનીટી જોવા માટે ઓફ લાઇન ટીકીટબારી બંધ રાખવામાં આવી હતી. પરંતુ ઓનલાઇન ટીકીટ ચાલુ રાખવામાં આવી હોવાથી આજે મહારાષ્ટ્ર, રાજસ્થાનથી પણ ઓનલાઇન ટીકીટ બુક કરાવી પ્રવાસીઓ આવ્યા હતા. કેવડિયા કોલોની ખાતે તેઓને રોકવામાં આવ્યા હતા. તેમજ અન્ય પ્રવાસીઓને પણ ઓફ લાઇન ટીકીટ લેવા માટે આવ્યા હતા.
જેઓને પોલીસ દ્વારા રોકવામાં આવતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. કેટલાક પ્રવાસીઓએ જણાવ્યું હતું કે અમને નથી ખબર કે આજે સ્ટેચ્યૂ ઓફ યુનીટી જોવાનું બંધ છે. જોકે પ્રવાસીઓના ભારે હોબાળા બાદ તેઓને સ્ટેચ્યૂ ઓફ યુનીટી જોવા માટે ઉચ્ચ અધિકારીની સુચના બાદ આગળ જવા દેવાયા હતા.
સ્ટેચ્યૂ ઓફ યુનીટી સોમવારે બંધ રાખવાનો નિર્ણય થયો છે. પરંતુ તેનું પાલન ખુદ સંચાલકો જ કરતા નથી. કારણ કે ઓન લાઇન સોમવારની ટીકીટ બુક કરાવવામાં આવે તો ટીકીટ બુક થઇ જાય છે. આમ બુકીંગ કરેલા પ્રવાસીઓ સ્ટેચ્યૂની મુલાકાતે આવતાં બંધ હોવાના કારણે તેઓ અટવાઈ જાય છે. બીજી તરફ સંચાલકોની ભુલ થતા હવે સ્ટેચ્યૂ ઓફ યુનીટીનું સોમવારનું ઓન લાઇન બુકીંગ નહીં થાય તેમ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.