બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 મે 2020 (12:08 IST)

લોકડાઊન દરમિયાન નાગરિકો પાસેથી MRP કરતાં વધુ કિંમત લેનાર વેપારીઓ થઇ જજો સાવધાન

સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિયત્રંક ખાદ્યતેલ, સેનેટાઈઝર, માસ્ક, દૂધ, છાસ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેવા બાબતે લોકડાઉનના સમયગાળા દરમ્યાન આજદિન સુધી લગભગ ૧૭૦૦ જેટલા એકમો ઉપર તપાસો કરવામા આવેલ તેમજ ૧૧૦૦ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એમ કાનુની માપ વિજ્ઞાન તંત્ર ના નિયંત્રક ડી.એલ. પરમાર દ્વારા જણાવાયુ છે.
 
રાજ્યમાં લોકડાઉન-૪માં આપેલ છૂટછાટ દરમ્યાન પાન-મસાલા તથા તમાકુના વેચાણમાં બેફામ ભાવ લેવા અંગેની ફરીયાદો તોલમાપ નિયત્રંક તંત્રને મળતા આ બાબતે ગાંધીનગર નિરીક્ષકોની એક ટીમ દ્વારા અંબિકા ટ્રેડર્સ, માણસા ઉપર દરોડા પાડી તપાસ કરતાં વિમલ પાન-મસાલા પાઉચના ૨૮ રુપિયાને બદલે ૪૦ રુપિયા વસૂલેલ તેમજ ઇગલ તમાકુ ના ટિનના ૭૫ રુપિયાના બદલે ૨૦૦ રુપિયા વસુલવામાં આવેલ છે. આ ઉપરાંત બંસરી પાન અને લાલસોટ પાન પાર્લર, કુડાસણ ખાતે પણ સીગારેટના પેકેટ્સ ઉપર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા હોઈ સદર એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
 
તેમણે કહ્યુ કે મરી-મસાલાના પેકેટ્સ ઉપર કિંમતમાં છેકછાક અંગે વિશાલ સુપર માર્કેટ, સેક્ટર-૦૬, ગાંધીનગર ઉપર પણ કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં વિવિધ એકમો ખાતે તપાસ કરી એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા ૬ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
 
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પાન-મસાલા, ગુટખા, સિગારેટ વગેરેના વેપારી એકમો ખાતે કુલ ૫૦૦ નિરીક્ષણ કરવામાં આવેલ છે. જેમાં વધુ ભાવ લેવા અંગે કુલ ૧૨૪ એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સદર બાબતે મદદનીશ નિયંત્રક મહેસાણા દ્વારા ૩૦ એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.૧,૬૧,૦૦૦/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરેલ છે. 
 
અમદાવાદ જીલ્લો કોરોનાના કહેરથી સૌથી વધુ પ્રભાવિત છે તેમ છતાં આ બાબત અંગે ૧૬ એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી કુલ રૂ.૨૬,૦૦૦/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરેલ છે. આ ઉપરાંત ખેડા, વલસાડ તથા જુનાગઢ જીલ્લામાં કુલ ૧૭ એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.૩૪,૦૦૦/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે. આ ઝુબેશ આગામી સમયમા પણ રાજયભરમાં સતત ચાલુ રહેશે. કાનુની માપ વિજ્ઞાન તંત્ર ગ્રાહકોના હિતમાં કામગીરી કરતું હોઇ વિવિધ ચીજવસ્તુઓમાં એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવા અંગેની ફરિયાદ માટે [email protected] પર જાણ કરવા વિનંતી.