1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 22 માર્ચ 2023 (11:12 IST)

અને અચાનક ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સાબરમતી મધ્યસ્થ જેલ પહોંચ્યા, આપ્યો આ આદેશ

harsh sanghav
હર્ષ સંઘવીની સાબરમતી મધ્યસ્થ જેલની સરપ્રાઇઝ વિઝીટથી અધિકારીઓમાં દોડધામ, આપ્યો આ આદેશ
 
અમદાવાદ ખાતે આવેલી સાબરમતી મધ્યસ્થ જેલની આજે સાંજે ગૃહ રાજય મંત્રી  હર્ષ સંઘવીએ આકસ્મિક મુલાકાત લીધી હતી. મંત્રીએ બે કલાકથી વધુ સમય મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલ સહિત સમગ્ર જેલ વ્યવસ્થાઓ તથા કેદીઓને અપાતી સુવિધાઓનું પણ સ્વનિરીક્ષણ કર્યું હતું.
 
આઝાદીની ચળવળ દરમિયાન પહેલી જેલયાત્રા વખતે મહાત્મા ગાંધીજીને જ્યાં રાખવામાં આવ્યા હતા તે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે મંદિર સમાન એવા "મહાત્મા ગાંધી યાર્ડ" તેમજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં બનાવાયેલા "સરદાર યાર્ડ"ની મંત્રીએ મુલાકાત લીધી હતી. 
 
જો સજા નહીં હોય તો ડર નહીં હોય, અને જો ડર નહીં હોય તો શિસ્ત પણ નહીં હોય અને જો શિસ્ત નહીં હોય તો આપણે સ્વસ્થ સમાજની કલ્પના કરી શકતા નથી. આથી, સજાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જેલ પ્રશાસનની પણ જવાબદારી છે કે જો કોઇ વ્યક્તિ સ્વભાવગત અને રીઢો ગુનેગારો ન હોય તો આવા તમામ કેદીઓને સમાજમાં ફરીથી સ્થાપિત થવાનું તેઓ માધ્યમ બને. 
 
બે કલાકથી વધુ સમય સુધી જેલની તમામ વ્યવસ્થાના કરાયેલા નિરીક્ષણ બાદ મંત્રીએ જેલના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રીઢા ગુનેગારોને કટ્ટરવાદી માનસિકતામાંથી બહાર લાવવા અને સમાજના પ્રવાહમાં પુનઃ જોડવા માટે શું પગલાં લઈ શકાય તેના પર આ બેઠકમાં ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવા માટેની કાર્યયોજના તૈયાર કરવા મંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો. 
 
આ બેઠકમાં ગૃહ વિભાગના સચિવની પૂર્ણા તોરવણે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મધ્યસ્થ જેલના ઉચ્ચ અધિકારીઓ તથા ગૃહ વિભાગના અધિકારીઓને ગૃહ રાજ્ય મંત્રીએ જરૂરી સૂચનો કર્યા હતાં.