મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (13:43 IST)

કોન્ડોમની એડ કરતાં હોર્ડિંગનો સોશિયલ મીડિયામાં વિરોધ થતાં ઉતારી લેવાયાં

નવરાત્રી પર્વે માર્કેટિંગ કરવા એક કોન્ડોમ કંપનીએ બીભત્સ વાક્ય લખેલાં હોર્ડિંગ્સ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં લગાવ્યાં હતાં. જેમાં લખ્યું છે કે, આ નવરાત્રીએ રમો પણ પ્રેમથી...’ હોર્ડિંગ્સમાં વાપરેલા શબ્દો બીભત્સ જણાતાં ઘણા શહેરીજનોએ અને હિંદુ જાગરણ સમિતિએ એડવર્ટાઇઝમેન્ટ એજન્સી સામે વિરોધ કરતાં વડોદરામાંથી હોર્ડિંગ્સ ઉતારાવી દીધાં હતાં. જો કે સુરત અને અમદાવાદમાં હોર્ડિંગ્સ હજુ છે, જેને ઉતારવામાં નહીં આવે તો હોર્ડિંગ્સની હોળી કરાશેની ચીમકી હિંદુ જાગરણ સમિતિએ આપી છે.

એક જાણીતી કોન્ડોમ કંપનીએ નવરાત્રી પર્વે કોન્ડોમનું કેમ્પેન ચલાવવા વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ સહિત આખા દેશમાં હોર્ડિંગ્સ લગાવ્યાં હતાં. જેમાં લખ્યું છે કે,આ નવરાત્રીએ રમો પણ પ્રેમથી...’ નવરાત્રી પર્વ અને મા અંબેની અરાધનાને સેક્સ સાથે જોડતાં કોન્ડોમનાં આવાં હોર્ડિંગ્સનો સોશિયલ મીડિયા પણ યંગસ્ટર્સે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. હિંદુ જાગરણ સમિતિના આગેવાનોએ આજે વડોદરા ખાતેના એડવર્ટાઇઝમેન્ટ એજન્સીને હોર્ડિંગ્સની હોળી કરવાની ચીમકી આપી હતી જેથી તેઓએ મોડી સાંજે વાસણા રોડ પર લગાવેલાં હોર્ડિંગ્સ ઉતારાવી લીધાં હતાં. જો કે, સુરત ખાતે 30થી વધુ અને અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં હોર્ડિંગ્સ હજુ લાગ્યાં છે. હિંદુ જાગરણ સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે, જો અન્ય શહેરોનાં હોર્ડિંગ્સ આવતીકાલ સુધીમાં નહીં ઉતરે તો અમે સ્થળ પર જઇને હોર્ડિંગ્સની હોળી કરીશું.