શુક્રવાર, 21 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (17:26 IST)

અનાજની કાળા બજારી મુદ્દે પુરવઠા વિભાગને 10 દિવસમાં રિપોર્ટ રજુ કરવા આદેશ, ગરીબોનો કોળિયો છીનવનારને છોડાશે નહીં: હાઈકોર્ટ

black market issue of foodgrains
ગુજરાત હાઈકોર્ટમાં સસ્તા અનાજની દુકાનમાંથી થતાં ગરીબોના હક્કના અનાજના કાળા બજાર અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદારે રજુઆત કરી હતી કે ગરીબોનું અનાજ અન્ય માર્કેટમાં વેચાઈ રહ્યું છે. આ મામલે પુરવઠા વિભાગને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ નહીં થતાં હાઈકોર્ટમાં અરજી કરવી પડી છે.

અરજદારની રજૂઆત સાંભળીને હાઈકોર્ટે પુરવઠા વિભાગને 10 દિવસમાં રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે ગરીબોનો કોળિયો છીનવનારને બક્ષવામાં નહીં આવે. અરજદારે કોર્ટમાં કરેલી રજૂઆતમાં દાવો કર્યો હતો કે રેશનકાર્ડની દુકાનો કરતા વધુ અનાજ અન્ય બજારમાં વેચાઈ રહ્યું છે. આ મામલે હાઈકોર્ટે રાજ્યના પૂરવઠા વિભાગને મહત્વનો હુકમ કરતાં 2016થી અત્યાર સુધીમાં ભૂતિયા રેશનકાર્ડ અને સસ્તા અનાજની કાળાબજારી રોકવા અંગે શું કાર્યવાહી કરવામાં આવી? તેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

અરજદારે પોતાની અરજીમાં રજૂઆત કરી હતી કે, ગરીબ અને સમાજના નબળા વર્ગને મળવા પાત્ર સસ્તુ અનાજ ઓપન માર્કેટમાં વેચાઈ રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. આ સાથે જ અરજદારે ભૂતિયા રેશનકાર્ડના આધાર પર અનાજની ગોલમાલ થતી હોવાનો સંગીન આરોપ લગાવ્યો હતો. જો કે હવે હાઈકોર્ટના હુકમ બાદ પૂરવઠા વિભાગ 10 દિવસની અંદર રિપોર્ટ રજુ કરશે.