ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 નવેમ્બર 2018 (12:28 IST)

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામકાજના ઘટાડાથી અનેક મહિલાઓની રોજગારી છીનવાઈ

ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામકાજો ખૂબ જ ઘટી ગયા હોવાને કારણે રોજગારી ઉપર સીધી અસર આવી છે. સૌથી ખરાબ હાલત એમ્બ્રોઇડરી ક્ષેત્રમાં પડી છે. એમ્બ્રોઇડરીના એકમો હજુ શરૂ થયા નથી. પરિણામે જોબવર્ક મળતા નથી. ઓછામાં ઓછા  ૫૦ હજાર જેટલી મહિલાઓ પાસે હાલના તબક્કે રોજગારી નહીં હોવાનો અંદાજ છે.
દિવાળી પછી ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ બહુ ઝડપથી ધમધમતું થઈ જશે એવી શક્યતાઓ હતી. પણ એવંપ થયું નથી પ્રોસેસિંગ, વિવિંગ, એમ્બ્રોઇડરી અને બીજા એકમોમાં પ્રોડક્શન ખૂબ જ ઓછું છે. ટેક્સ. ઇન્ડસ્ટ્રીઝ અત્યારે એક પાળીમાં ચાલતી હોવાનું જણાવાય છે. એમ્બ્રોઇડરીના એકમો વેપારીઓ તરફથી  પ્રોગ્રામો નહિ મળવાને કારણે હજુ શરૂ થયા નથી અને તેની સીધી અસર ઘરબેઠા રોજગારી મેળવતી સંખ્યાબંધ મહિલાઓ ઉપર આવી છે. બોર્ડર,લેસ-પટ્ટી, ટીકી ચોંટાડવાનું અને સિલાઈનું કામ કરતી મહિલાઓ પાસે અત્યારે કામ નથી.
શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ અંદાજે ૧૪ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે, એમાં આશરે બે લાખ મહિલાઓ હોવાનો અંદાજ છે. મહિલાઓ ટેક્સટાઇલના દરેક નાના-મોટા ક્ષેત્રમાં અલગ-અલગ કામથી સંકળાયેલી છે. સૌથી વધારે એમ્બ્રોઇડરી એકમો સાથે સંકળાયેલી છે. હવે કામ ઓછું થઈ ગયું હોવાને કારણે ચાલીસથી પચાસ હજાર જેટલી મહિલાઓએ આવક ગુમાવી છે.
કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઇડરીનું એકમ ચલાવતા એક કારખાનેદારે જણાવ્યુ કે, જીએસટીની અસર સૌથી ખરાબ છે. દિવાળી પછી તો કામકાજ ઓછા થઈ ગયા છે. વેપારીઓનું ટર્નઓવર અડધોઅડધ જેટલું થઇ ગયું છે  માંગ નહીં હોવાથી વેપારીઓએ નવા પ્રોગ્રામ આપવાનું બંધ કરી દીધું છે અને તેના કારણે  જે મહિલાઓ આ નાના-મોટા સ્ટિચિંગ એકમમાં અને ઘર બેઠા  કામકાજ કરીને આવક મેળવતી હતી તેને મોટો ફટકો પડયો છે.
મહિલાઓની આવક એકાએક બંધ થઈ ગયો હોવાને કારણે સેંકડો કુટુંબ પર બોજો વધવા સાથે આથક ભીંસ વધી ગઈ છે. દિવાળી પછી પંદરેક દિવસ થઈ ગયા હોવા છતાં ટેક્સટાઇલ ઉદ્યોગની ગાડી પાટે ચડી નહિ હોવાને કારણે અન્ય ક્ષેત્રોને પણ આની અસર થઇ છે.