1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Surat fire brigade rescue story

પૂજા સામગ્રી સાથે ભૂલમાં 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા, ફાયર બ્રિગેડે મોડી રાત્રે પાણી ખૂંદી આખી રકમ શોધી કાઢી

Surat canal money recovery
Surat canal money recovery
સુરતના પુણા ગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવારે ઘરે ધાર્મિક પ્રસંગ નિમિત્તે પૂજાનું આયોજન કર્યું હતું. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી કબાટ પાસે રાખવામાં આવી હતી, જ્યાં બાજુમાં જ તિજોરીમાં બે લાખ રૂપિયાની રોકડ પણ પડી હતી. પરિવારના સભ્યોએ ઉતાવળમાં પૂજાના ફૂલ અને અન્ય સામગ્રીની સાથે તિજોરીમાં રાખેલા  500 રૂપિયા ના દરની નોટોના ચાર બંડલ પણ એક થેલામાં ભરી લીધા હતા.
 

નહેરમાં રોકડનું વિસર્જન અને ફાળકો
 

પરિવારના સભ્યો આ થેલો લઈને અમેઝિયા ટાવર પાસે આવેલી નહેરે પહોંચ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક પૂજાની સામગ્રી સમજીને તે થેલો નહેરમાં પધરાવી દીધો હતો. ઘરે પરત ફર્યા બાદ જ્યારે તિજોરી તપાસી ત્યારે માલૂમ પડ્યું કે રૂ. 2 લાખની રોકડ ગાયબ છે. થોડી જ વારમાં તેમને અહેસાસ થયો કે પૂજાના સામાન સાથે આખી રકમ પણ નહેરમાં વહાવી દીધી છે, જેના કારણે પરિવારમાં ચિંતા અને દોડધામ મચી ગઈ હતી.

 

ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
 

ઘટનાની ગંભીરતા જોઈને તુરંત ડુંભાલ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વહેતા પાણીમાં પૈસા શોધવા એ ઘણું મુશ્કેલ અને જોખમી કામ હતું, તેમ છતાં જવાનોએ હિંમત હાર્યા વગર નહેરના પાણીમાં ઉતરીને તપાસ શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ ફાયરની ટીમને આખરે પ્લાસ્ટિકનો થેલો મળી આવ્યો હતો.
 

ફિલ્મી ક્લાઈમેક્સ: રકમ સલામત પરત મળી
 

જ્યારે થેલો બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેમાં રહેલા 500 રૂપિયાની નોટોના ચારેય બંડલ (કુલ 2 લાખ રૂપિયા ) સલામત હાલતમાં મળી આવ્યા હતા. પૂજાના ફૂલોની વચ્ચે હોવાને કારણે નોટો સુરક્ષિત રહી હતી. ફાયર બ્રિગેડના જવાનોની આ ઈમાનદારી અને ત્વરિત કામગીરી જોઈને લિંબા પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને તમામ જવાનોનો આભાર માન્યો હતો. આ સમગ્ર ઘટના કોઈ ફિલ્મી વાર્તા જેવી સુખદ અંત પામી હતી.