શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 ઑગસ્ટ 2021 (14:05 IST)

સુરતની ગજેરા સ્કૂલમાં સરકારની મંજૂરી વગર ધોરણ-8 ના વર્ગો શરૂ કરાયા

શાળાના સંચાલકો પોતાની મનમાની કરતા હોય તેવી સ્થિતી સુરત શહેરમાં જોવા મળી રહી છે. અમરોલી વિસ્તારમાં આવેલી ગજેરા હાઈસ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ના વર્ગ શરૂ હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા હજુ તો એ દિશામાં વિચારણા શરૂ કરાય છે કે ધોરણ છ અને આઠ ના વર્ગો શરૂ કરવામાં આવે. પરંતુ તે પહેલા જ શાળાના સંચાલકો જાણે ભૂલી ગયા હોય તે રીતે વિદ્યાર્થીઓ ના જુના જોખમે શાળા શરૂ કરી દીધી છે. 
 
 ગજેરા હાઇસ્કુલ સુરતની કેટલીક નામાંકિત સ્કૂલો પૈકીની એક છે. આવી સ્કૂલો પણ પોતાના વિદ્યાર્થીઓ ના જુના જોખમ ઊભા કરે તેવા નિર્ણયો લે છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે. બાળકોના સ્વાસ્થ્યને લઇને સરકાર જ્યારે આટલી ગંભીર છે ત્યારે શાળાના સંચાલકો કેમ બેદરકાર થઇ રહ્યા છે તે મોટો પ્રશ્ન છે. કોરોના સંક્રમણ ના શરૂઆતના તબક્કાથી અત્યાર સુધીમાં સરકારે સૌથી વધુ કોઈની ચિંતા કરવી હોય તે શાળા અને બાળકોને લઈને છે. 
 
 છેલ્લા ત્રણ દિવસથી ગજેરા સ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાળકો છેલ્લે ત્રણ દિવસથી શાળામાં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. સરકાર દ્વારા જે પણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 50 ટકા જેટલા વિદ્યાર્થીઓને શાળાના વર્ગખંડોમાં હાજર રાખવા. ગજેરા સ્કૂલ માં તો ગેરકાયદેસર રીતે સરકારની મંજૂરી વગર ધોરણ-૮ ના વર્ગો શરૂ થઈ ગયા પરંતુ એટલું પૂરતું ન હોય વર્ગખંડના બેન્ચ ઉપર ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. જે જોતા સ્પષ્ટ થાય છે કે શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી.
 
 ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ગજેરા સ્કૂલ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી છે. આ બાબતે શાળાના સંચાલકો હજી મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. ખૂબ જ ગંભીર બાબત છે કે શાળાને મંજૂરી ન હોવા છતાં ધોરણ 8ના વર્ગ કેવી રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી હવે આ બાબતે કયા પ્રકારના પગલાં લે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે.